સૈફ પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરે હતી? જાણો અભિનેતાએ પોલીસને શું કહ્યું
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે કરીના કપૂર પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી રહી હતી અને તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સૈફ ઘાયલ થઈને બહાર નીકળ્યો અને પોતે જ રીક્ષા રોકી હૉસ્પિટલમાં ગયો તેવા અહેવાલો પણ જાણવા મળ્યા હતા. જોકે હવે સૈફ અલી ખાને પોલીસને આપેલા નિવેદનમાં કંઈક અલગ જ વાત જાણવા મળી છે. સૈફના જણાવ્યા અનુસાર તે અને કરીના કપૂર પોતાના બેડરૂમમાં હતા. અચાનક આયાબાઈ એલિયાના ફિલિપનો કોઈ સાથે ઝગડો કરતા હોય તેવો અવાજ સંભળાયો, દરમિયાન સૈફનો નાનો દીકરો જહાંગીરે (જેહ) અજાણ્યા માણસને જોયો અને તે પણ ગભરાઈ રડવા લાગ્યો. સૈફના જણાવ્યા અનુસાર તેઓ બન્ને જેહના રૂમ તરફ દોડયા જ્યાં તેણે ઘરમાં ઘુસેલા શખ્શને ધકેલવાની કોશિશ કરી ત્યાં જ તેણે ચાકુથી હુમલો કર્યો, સૈફને પીઠ પર ઈજા પણ થઈ છતાં તેણે પાછળ ધકેલ્યો. સૈફે કહ્યું કે આ રીતે કોઈ માણસ ઘરે કેવી રીતે ઘુસ્યો તે જોઈ સૌ કોઈ ગભરાઈ ગયા હતા. હુમલાખોરે ફિલિપને પણ ઈજા પહોંચાડી હતી.
અગાઉના અહેવાલો અનુસાર સૈફના 11મા માળ પર તેઓ રહે છે અને હુમલાખોરને જોયા બાદ કરીનાએ બન્ને દીકરાને 12મા માળે લઈ સુરક્ષિત કરી દીધા હતા.
આ પણ વાંચો…સ્કાય ફોર્સની રિલીઝ પહેલાં વીર પહાડિયાએ ઉજ્જૈનમાં મહાકાલના કર્યાં દર્શન
શહેજાદે હુમલા બાદ કર્યો પિતાને ફોન?
દરમિયાન અહેવાલો અનુસાર મુંબઈ પોલીસે થાણેથી પકડેલા શહેજાદના પિતાએ સીસીટીવીમાં દેખાયેલો છોકરો પોતાનો દીકરો ન હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે તેમણે એવો દાવો પણ કર્યો છે કે સૈફના હુમલાનો બનાવ બન્યો તેના થોડા કલાકો બાદ દીકરાએ તેને રૂ. 10,000 મોકલ્યા હતા અને પોતાની પાસે રૂ, 3,000 જ બચ્યા છે અને તે હાલપૂરતા ચાલશે તેમ પણ ફોન કરી જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પિતાના જણાવ્યા અનુસાર તેમનો દીકરો બાંગ્લાદેશની ખરાબ હાલતને કારણે સારી નોકરી કરી ઘર ચલાવવા ભારત આવ્યો હતો અને તેણે આવો કોઈ ગુનો આચર્યો નથી. આ સાથે મહારાષ્ટ્રમાં સૈફના હુમલા અને ત્યારબાદની તેની ફીટનેસના મામલે સત્તાધીશ સરકારના જ નેતાઓએ શંકા-કુશંકા વ્યકત કરી છે.