Saif Ali Khanને હોસ્પિટલને પહોંચાડનારા રિક્ષા ડ્રાઈવરને મળ્યું આટલું ઈનામ…
મુંબઈઃ બોલીવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલાં હુમલા બાદ આજે કદાચ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે એવી શક્યતા છે. મુંબઈ પોલીસને આ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે અને તેમણે હુમલો કરનાર આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ આ બધા વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સૈફ અલી ખાનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચાડનારા ડ્રાઈવરને 11,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. આ ઈનામ ડ્રાઈવરને સૈફના પરિવાર કે પોલીસ દ્વારા નહીં પણ એક સંસ્થા દ્વારા તેની કર્તવ્યનિષ્ઠાને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યું છે.
સૈફ અલી ખાનને હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં લીલાવતી હોસ્પિટલ લઈ જનારા રિક્ષા ડ્રાઈવરનું નામ ભજનસિંહ રાણા છે અને એક સંખ્યાએ તેમના કામની સરાહના કરતાં 11 હજાર રૂપિયાનું નામ આપ્યું છે. ભજન સિંહ રાણા ઉત્તરાખંડના રહેવાસી છે અને તે વર્ષોથી મુંબઈમાં ઓટો ચલાવી રહ્યો છે. સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડ્યા બાદથી આ ભજનસિંહ પણ સેલિબ્રિટી બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. મુંબઈ પોલીસે પણ તેને પૂછપરછ માટે બોલાવીને ઘટનાની જાણકારી લીધી હતી.
એક ઈન્ટરવ્યુમાં ભજનસિંહે જણાવ્યું હતું કે તે રાતના સમયે રિક્ષા ચલાવે છે અને જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે એક મહિલાએ તેને અવાજ આપીને બોલાવ્યો હતો. બાદમાં તેણે જોયું તો કોઈ વ્યક્તિ લોહીલૂહાણ હાલતમાં હતી અને તેણે તેને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી એ સમયે તો તેને એ પણ ખ્યાલ નહોતો કે સુપરસ્ટાર સૈફ અલી ખાનને હોસ્પિટલ લઈ રહ્યો છે. ભજનસિંહે એ સમયે સૈફ પાસેથી ભાડું પણ નહોતું લીધું અને તેનું એવું માનવું છે કે પૈસા કોઈના પણ જીવથી વધારે નથી હોતા.
આ પણ વાંચો : આજે કે કાલે સૈફ અલી ખાન ભલે ઘરે આવી જાય, પણ ડૉક્ટરની આ સલાહ તેણે માનવી પડશે
અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ પર હુમલો કરનાર આરોપીનું નામ મોહમ્મદ શરીફૂલ ઈસ્લામ શહઝાદ છે અને તે બાંગ્લાદેશનો રહેવાસી છે. પોલીસે થાણાથી તેની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાનના દીકરા જહાંગીરને બંધક બનાવીને પૈસા માંગવાની આરોપીની યોજના હતી. કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને પાંચ દિવસની કસ્ટડી ફટકારી હતી.