Sadma: 41 વર્ષ પહેલાની આ ક્લાસિક ફિલ્મનો અંત જોઈ જહ્નાવી કપૂરે મમ્મી શ્રીદેવી સાથે વાત ન હતી કરી
હિન્દી સિનેમાજગતની ઘણી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક એટલે દિવંગત શ્રીદેવી અને શ્રીદેવીની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક એટલે સદમા. (Sadma film complets 41 years)
શ્રીદેવીએ એકવાર કહ્યું હતું કે તેની દીકરી અને હાલ અભિનેત્રી જાહ્નવી કપૂરે આ ફિલ્મ જોયા બાદ તેની સાથે ત્રણ દિવસ વાત નહતી કરી અને તેનાથી નફરત કરવા લાગી હતી. જાહ્નવી કહેતી હતી કે મમ્મી તું બહુ ખરાબ છો. આનું કારણ જેમણે ફિલ્મ જોઈ હશે તે તો સમજી જશે.
1983માં રિલિઝ થયેલી આ ફિલ્મના અંત જેવો વેધક અને કરૂણ અંત લગભગ અત્યાર સુધીની કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. સામાન્ય રીતે હેપી એન્ડિંગથી પૂરી થતી હિન્દી ફિલ્મો ક્યારેક જ ધ્રાસકો પડી જાય તેવો અંત આપતી હોય છે, જેમાં આ ફિલ્મ પણ સામલે છે.
આ મુદ્રમ પિરાઈ નામની સફળ તમિળ ફિલ્મથી પ્રેરિત આ ફિલ્મમાં શ્રીદેવી અને કમલ હસન જેવા ઊંચા કલાકારો છે. તેટલું જ સુંદર સંગીત અને ગીતો છે. ફિલ્મમાં માતા-પિતાની લાડલી દીકરી શ્રીદેવી યુવાન વયના તેનાં મિત્રો સાથે ફરવા જાય છે અને કાર એક્સિડેન્ટનો શિકાર બને છે. શ્રીદેવી વર્તમાન સમયનું બધુ જ ભૂલી જાય છે અને માત્ર સાતેક વર્ષની બાળકી જેવું તેનું મગજ થઈ જાય છે. દરમિયાન તેનું અપહરણ થાય છે અને કોઈ તેને વેશ્યાલય છોડી આવે છે. અહીં સોમુ (કમલ હસન) તેનો ગ્રાહક બનીને આવે છે, પણ શ્રીદેવીની માસૂમિયતથી પીગળી જાય છે અને તેને ગમે તેમ ત્યાંથી બહાર કાઢી પોતાના ગામ લઈ જાય છે, જ્યાં તે શિક્ષક તરીકે કામ કરે છે. શ્રીદેવીનું નામ અહીં રેશમી છે ને તે બાળકી જેવું વર્તન કરે છે અને કમલહસન તેનું એક પ્રેમાળ પિતાની જેમ ધ્યાન રાખે છે. પણ શ્રીદેવી તો મદમસ્ત યુવાન છોકરી છે અને અપરિણિત સોમુ તેનાં પ્રેમમાં પડી જાય છે. સોમુ તેને ગામના એક જાણીતા વૈદ્ય પાસે લઈ જાય છે અને તેનો ઈલાજ કરાવે છે.
આ પણ વાંચો : ‘ગદર’ ફેમ અમીષા પટેલે ફોટોગ્રાફર સાથે આ ગીત પર કર્યો ડાન્સ…
શ્રીદેવી એકદમ સાજી થાય છે અને તે દિવસે જ તેના માતા-પિતા તેને શોધતા તેના સુધી પહોંચી જાય છે. શ્રીદેવીને બધુ યાદ આવી ગયું હોય તે તેમની સાથે નીકળી પડે છે. શ્રીદેવી તેના માતા-પિતા ટ્રેનમાં બેઠા છે અને સોમુ આવે છે. શ્રીદેવી તેને ઓળખતી નથી. તેને યાદ અપાવવા સોમુ જાત જાતની કરતબો બતાવે છે, વાનરાની જેમ ઉછળે છે. શ્રીદેવી તેને પાગલ ભિખારી માને છે અને તેના તરફ ખાવાનું ફેંકે છે ને ટ્રેન ચાલતી પકડે છે. રેલવે પ્લેટફોર્મ પર વરસતા વરસાદમાં લંગડા પગ સાથે ટ્રેન પાછળ દોડતો કમલ હસન જોઈ કોઈનું પણ હૃદય રડી પડે. કમલ હસન જેવા નેચરલ એક્ટરની એક્ટિંગ આ સીનને એટલો ઈમોશનલ બનાવે છે કે જોનારને દરેકને તેની પીડાનો અનુભવ થાય. ફિલ્મમાં શ્રીદેવીની નાની બાળકી તરીકેની એક્ટિંગ પણ એટલી જ આલા દરજ્જાની છે. આ ફિલ્મ તેની કરિયરની માઈલસ્ટોન સાબિત થઈ. લીલા મિશ્રા પણ ખૂબ મજા કરાવે છે.
આ ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને લેખક મહેન્દ્ર બાલુના જીવનમાં પણ આવું જ કંઈક બન્યું હતું. તેમને તેમનાથી નાની ઉંમરની અભિનેત્રી શોભા સાથે પ્રેમ યો હતો અને તેમણે લગ્ન પણ કર્યા હતા, પરંતુ શોભાએ કોઈ કારણોસર 17 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી.