મનોરંજન

1 રૂપિયામાં કર્યું ડેબ્યુ, બીજી ફિલ્મથી રાતોરાત બની ગઇ સુપરસ્ટાર, અંત આવ્યો દર્દનાક…..

બોલિવૂડની આ અભિનેત્રી તેની ખુબસુરતી માટે એટલી પ્રખ્યાત હતી કે લગભગ દરેક બ્યુટી પાર્લરમાં એના પોસ્ટર જોવા મળતા હતા. ‘એક્સ્ટ્રા’ તરીકે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રીએ પહેલી ફિલ્મ માટે માત્ર 1 રૂપિયાની ફી લીધી હતી, પણ પછી તેની પાસે ઓફરોની લાઇન લાગી અને તે રાતોરાત સ્ટાર બની ગઇ.

આ અભિનેત્રી તેની સ્ટાઇલ અને ફેશન માટે એટલી ફેમસ હતી કે મહિલાઓ તો ઠીક, છોકરાઓ પણ તેની હેરસ્ટાઇલ ફોલો કરવા લાગ્યા હતા. બોલિવૂડમાં તેની સફર શાનદાર રહી હતી. ફિલ્મ ‘શ્રી 420’માં તેનું રાજ કપૂર સાથે એક યાદગાર ગીત છે, જેમાં તેણે કોરસ ડાન્સ કર્યો હતો. તેણે 13 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ અભિનેત્રી એટલે બીજી કોઇ નહીં પણ હેર કટના નામે જાણીતી થયેલી સાધના.

અભિનેત્રી સાધના જેટલો પ્રભાવ બોલિવૂડ પર કદાચ કોઈ મહિલા સુપરસ્ટારનો રહ્યો નથી. સાધના 60ના દાયકાની ટોચની અભિનેત્રી હતી. તે સંબંધમાં કરીના અને કરિશ્મા કપૂરની કાકી લાગે છે. અભિનેત્રી બબીતા ​​સાધનાના કાકા અને અભિનેતા હરિ શિવદાસાનીની પુત્રી છે.

પાકિસ્તાનમાં જન્મેલી સાધના ભાગલા સમયે પરિવાર સાથે મુંબઈ આવી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે પરિવારની આર્થિક સંકડામણને કારણે તેણે ટાઇપિસ્ટ તરીકે કામ કરી તેણે અભ્યાસની સાથે સાથે ઘરની જવાબદારી પણ ઉપાડી લીધી. નાનપણથી જ અભિનયનો શોખ ધરાવતી સાધના કોલેજના નાટકોમાં ભાગ લેતા લેતા ફિલ્મી દુનિયામાં આવી ગઇ.

એક નિર્માતાએ તેને સિંધી ફિલ્મમાં રોલ આપ્યો જેમાં સાધનાને ફી તરીકે માત્ર 1 રૂપિયો મળ્યો હતો. ત્યાર બાદ શશધર મુખરજીએ તેને તેના પુત્ર જોય મુખરજીની સામે ફિલ્મ ‘લવ ઇન શિમલા’માં કાસ્ટ કરી. આ ફિલ્મ સુપરહિટ થઇ ગઇ અને સાધના રાતોરાત સ્ટાર બની ગઇ. આ ફિલ્મમાં તેની હેરસ્ટાઇલ સાધના કટ નામે ફેમસ થઈ ગઇ. થોડા વર્ષો પછી, તે દિગ્દર્શક રામ કૃષ્ણ ઐયર સાથે લગ્ન કરીને સ્થાયી થઈ ગઈ. વર્ષ 1995માં અસ્થમાના કારણે સાધનાના પતિનું અવસાન થયું. સાધનાને સંતાન હતું નહીં તેથી સાધના સાવ એકલી થઇ ગઇ.

સાધનાને યુવાનીમાં થાઈરોઈડની સમસ્યાથી થઇ ગઇ હતી. તે સારવાર માટે અમેરિકા પણ ગઈ હતી. તેણે પોતાની કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જેમાં ‘હમ દોનો’, ‘મેરે મહેબૂબ’, ‘વો કૌન થી’, ‘મેરા સાયા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સાધનાએ એકલવાયી જિંદગી જીવતા બીમારી સામે લડ્યા બાદ 25 ડિસેમ્બર 2015ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button