ટીમના લોકો બેકાર ન બેસે, તેમનું ઘર ચાલતું રહે એ માટે ફિલ્મ બનાવી: રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટીની કોમેડી ડ્રામા ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઇ હતી. કોરોના સમયગાળા દરમિયાન બનેલી આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં લીડ હીરો તરીકે રણવીર સિંહ જેવો કલાકાર હોવા છતાં પણ કન્ટેન્ટમાં દમ ન હોવાને કારણે તેને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ કારણ આપ્યું હતું કે આ ફિલ્મ તેણે પોતાની ટીમનું ઘર ચાલતું રહે, તેઓ બેરોજગાર ન રહે તે માટે બનાવી હતી.
કોરોના મહામારી દરમિયાન આખો ફિલ્મોદ્યોગ ઠપ્પ થઇ ગયો હતો. લોકો પાસે કામ નહોતું, બોલીવુડમાં અનેક કલાકારોએ કામ અને પૈસા વગર કપરી સ્થિતિની સામનો કરી રહ્યા હતા, રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલત તો એનાથી પણ વધુ ખરાબ હતી. રોહિત શેટ્ટીનું કહેવું છે કે આ પ્રકારના સમયમાં તેમની ટીમમાં જેટલા લોકો કામ કરે છે તેઓ પણ દયનીય હાલતમાં હતા. રોહિત શેટ્ટીનું કહેવું છે કે હાલના સમયમાં તે આ પ્રકારે ફિલ્મ બનાવવાનું પસંદ નહી કરે.
રોહિતે કહ્યું હતું કે, “સર્કસ કોવિડ દરમિયાન બનાવવામાં આવી હતી અને તે સમય ખૂબ જ કપરો હતો. જો આજે મને કોઇ કહે તો હું એવી ફિલ્મ નહી બનાવું. સૂર્યવંશી રિલીઝ નહોતી થઇ અને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ને શરૂ કરવામાં થોડી રાહ જોવી પડે એમ હતી. તો અમારી પાસે લગભગ સાત આઠ મહિના જેટલો સમય હતો. મારી ટીમના તમામ લોકો ઘરે બેઠા હતા અને અમારી પાસે ઘણા સમયથી આ સ્ક્રિપ્ટ આવીને પડી હતી. તો મને થયું કે એક સિંપલ નાનકડી ફિલ્મ બનાવી દઇએ, હું પણ વ્યસ્ત રહીશ અને ટીમ પણ વ્યસ્ત રહેશે.”
“કોરોના દરમિયાન ક્યારે થિયેટરો ખુલે તેની હું રાહ જોઇ રહ્યો હતો જેથી સૂર્યવંશી રિલીઝ થઇ શકે. એની સાથે સાથે સર્કસની સ્ક્રિપ્ટ પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કોરોના દરમિયાન લગભગ સર્કસ પહેલી ફિલ્મ હતી જેનું શૂટિંગ શરૂ થયું હતું. અમે ઘણી મુશ્કેલી વેઠી, દર અઠવાડિયે બ્લડ ટેસ્ટ, કોરોના ટેસ્ટ, એન્ટીબોડીઝ ધરાવતા લોકો પાસેથી કામ લેવું, એન્ટીબોડીઝ ન હોય તેમને દૂર રાખવા વગેરે.” તેવું રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું.
ફિલ્મ દર્શકોનું ધ્યાન ખેંચવામાં અસફળ રહી. જો કે શેટ્ટીએ પોતાની ફિલ્મ રિજેક્ટ થવા બદલ કોઇ નારાજગી વ્યક્ત કરી નથી. તેણે કહ્યું, “જો મારા દર્શકોને લાગે કે ફિલ્મમાં કંઇક ખોટું છે, તો જરૂર ફિલ્મમાં કંઇક ખોટું હશે જ. એ વાતને નકારી ન શકાય કે વાર્તા દર્શકોને ગમી નહોતી.” શેટ્ટીએ ઉમેર્યું હતું.