મનોરંજન

રમેશ નાયરથી રેમો બનવાની સફર: કોરિયોગ્રાફરના ધર્મ પરિવર્તનની વાત પર પિતાનું શું હતું રિએક્શન?

મુંબઈ: બોલીવુડમાં પોતાની નૃત્યશૈલીથી લાખો દિલો જીતનાર કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા આજે ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ ડાન્સ નહીં પણ તેમની આધ્યાત્મિક સફર છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રેમો અને તેમની પત્ની લિઝેલ ડિસૂઝાએ તેમના અંગત જીવન અને ધાર્મિક માન્યતાઓ વિશે દિલ ખોલીને વાત કરી હતી. રેમોના જીવનમાં હિન્દુ અને ખ્રિસ્તી ધર્મનો અનોખો સમન્વય જોવા મળે છે, જે સાબિત કરે છે કે શ્રદ્ધા કોઈ એક મઝહબ કે સીમાઓમાં કેદ નથી હોતી.

રેમોની પત્ની લિઝેલે જણાવ્યું કે તેનો જન્મ અને ઉછેર એક કૅથોલિક ખ્રિસ્તી પરિવારમાં થયો છે, પરંતુ છેલ્લા 25 વર્ષથી તેઓ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે. લિઝેલના મતે, તેના માતા-પિતાના નિધન પછી તેનો ઝુકાવ હિન્દુ ધર્મ તરફ વધુ વધ્યો છે. આજે તેમના ઘરમાં મધર મેરી અને બુદ્ધની મૂર્તિઓની સાથે ભગવાન શિવ અને ગણપતિનું મંદિર પણ છે. લિઝેલ કહે છે કે તે તમામ વિધિ-વિધાન સાથે પૂજા-પાઠ કરે છે અને તેને આ કરવામાં ખૂબ જ શાંતિ મળે છે.

બહુ ઓછા લોકો જાણે છે કે રેમો ડિસૂઝાનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો અને તેમનું અસલી નામ ‘રમેશ ગોપી નાયર’ હતું. જોકે, પાછળથી તેમણે ધર્મ બદલીને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. આ વિશે વાત કરતા રેમોએ જણાવ્યું કે જ્યારે તેમણે પોતાના પરિવારને આ નિર્ણય વિશે જાણ કરી, ત્યારે તેમના માતા-પિતાએ કોઈ વિરોધ કર્યો નહોતો અને આ બાબતને ખૂબ જ સહજતાથી સ્વીકારી હતી. રેમો માને છે કે તેમના માતા-પિતાનો આ ‘કૂલ’ અભિગમ તેમના માટે આશીર્વાદ સમાન રહ્યો છે.

ઇન્ટરવ્યુ દરમિયાન એક રમુજી કિસ્સો શેર કરતા રેમોએ કહ્યું કે જ્યારે તેમના પહેલા દીકરાનો જન્મ થયો ત્યારે નામ બાબતે થોડી મડાગાંઠ સર્જાઈ હતી. દંપતીએ દીકરાનું નામ ‘એડોનિસ’ (Adonis) રાખ્યું હતું, પરંતુ રેમોના માતા-પિતા જામનગરના હોવાથી તેમને આ વિદેશી નામ બોલવામાં તકલીફ પડતી હતી. આથી, પૌત્ર પ્રત્યેના પ્રેમને કારણે તેમણે તેનું હિન્દુ નામ ‘ધ્રુવ’ રાખ્યું હતું. જોકે, મોટા થયા પછી તેમના દીકરાએ સત્તાવાર રીતે ‘એડોનિસ’ નામ જ પસંદ કર્યું હતું.

સંબંધિત લેખો

Back to top button