મનોરંજન

કેવો જોગાનુજોગઃ આજે રીયલ અને રીલ બન્ને કસ્તૂરબાનો જન્મદિવસ

દેશને સત્ય અને અહિંસાના માર્ગે સ્વતંત્રતા તરફ દોરી જનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની કસ્તૂરબા વિશે આપણે વાંચ્યું કે જાણ્યું હશે, પણ કસ્તૂર બાનો ચહેરો આપણે યાદ કરીએ તો લગભગ ગાંધી ફિલ્મ (1982) માં તેમની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રોહિણી હતંગડી યાદ આવી જાય છે. આ બન્નેને યાદ એટલા માટે કર્યા છે કે આજે આ બન્નેનો જન્મદિવસ છે. કમાલના સંજોગ કહેવાય કે જેમની ભૂમિકા ભજવી તેમનો અને જેમણે ભૂમિકા ભજવી એટલે કે રિયલ લાઈફ અને રીલ લાઈફ બન્ને કસ્તૂરબાનો આજે જન્મદિવસ છે.

પહેલા રીયલ કસ્તૂરબાની વાત કરીએ તો તેમનો જન્મ પોરબંદરમાં વણિક પરિવારમાં 11 એપ્રિલ, 1869માં થયો હતો. તે સમયના રિવાજો પ્રમાણે કસ્તૂર બા 14 વર્ષના થયા એટલે મોહનદાસ કરમચંદ ગાંધી સાથે તેમના લગ્ન થઈ ગયા. જોકે કસ્તૂર બા ગાંધીજી કરતા એક વર્ષ મોટ હતા. તે સમયે ગાંધીજીની ઉંમર 13 વર્ષ હતી. વર્ષો બાદ ગાંધીજીએ પુસ્તકોમાં ઘણીવાર આ સંબંધો વિશે લખતા કહ્યું છે કે અમારા માટે લગ્ન ત્યારે નવા કપડાં અને મીઠાઈ અને ઉજવણી જ હતા. તેમણે એમ પણ લખ્યું છે કે શરૂઆતમાં હું પઝેસિવ પતિ હતો અને કસ્તૂર મારા પડ્યા બોલ ઝીલે તેવી મારી અપેક્ષા હતી. જોકે કસ્તૂર બાએ આમ કર્યું પણ ખરું. ગાંધીજીનો પડછાયો બની તેઓ રહ્યા.

ગાંધીજી જ્યારે વિદેશ ભણવા અને પછી વકીલાત કરવા ગયા ત્યારે તેમણે એકલા હાથે સંતાનોને ઉછેર્યા અને ત્યારબાદ આઝાદીની ચળવળમાં પણ બાપુનો પડછાયો બની રહ્યા. તે સમયે મહિલાઓના ઉત્થાન માટે તેમણે ઘણાં કાર્યો કર્યા અને મહિલાઓને પણ સ્વતંત્રતાના સંગ્રામમાં જોડી.

કસ્તૂર બા 17 વર્ષની વયે પહેલીવાર માતા બન્યા હતા, પરંતુ તેમનું પહેલું સંતાન મૃત્યુ પામ્યું હતું. ત્યારબાદ તેમણે ચાર પુત્રને જન્મ આપ્યો, પરંતુ એવું લખાયું છે કે તેઓ પોતાના પહેલાં સંતાનના મૃત્યુનું દુઃખ ક્યારેય ભૂલી ન શક્યા. કસ્તૂર બાએ 22 ફેબ્રુઆરી, 1944માં પુણે ખાતે અંતિમ શ્વાસ લીધાં.

હવે વાત કરીએ રીલ લાઈફના કસ્તૂર બા રોહિણી હતંગડીની. 11 એપ્રિલ 1955ના રોજ જન્મેલી રોહિણી હટ્ટંગડીએ તેની અભિનય કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે. તેમનાં યાદગાર પાત્રોમાનું એક પાત્ર કસ્તૂરબાનું, જે તેમણે માત્ર 27 વર્ષની ઉંમરે ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેઓ 74 વર્ષના કસ્તૂર બા પણ બન્યાં હતાં. આ પાત્ર તેમની કારકિર્દીનાં શ્રેષ્ઠ પાત્રોમાનું એક છે.

અગ્નિપથમાં અમિતાભની માતાના રોલ માટે તેમણે ફિલ્મ ફેર એવોર્ડ પણ મેળવ્યો હતો. આ ઉપરાંત ફિલ્મો અને ટીવી સિરિયલોમાં તેમણે ઘણી યાદગાર ભૂમિકા નિભાવી છે. સૈલાબ સિરિયલમાં સચિન ખેડેકરની માતા તરીકે તેમની ભૂમિકા ઘણી લોકપ્રિય થઈ હતી. 2019માં રોહિણીએ એક મરાઠી ફિલ્મ વન્સ મોરમાં પુરુષની ભૂમિકા બખૂબી નિભાવી હતી. હજુ પણ તેઓ એક્ટિવ છે. તેમના સ્વસ્થ આયુષ્યની આજે તેમને શુભકામનાઓ…
કસ્તૂરબાને શ્રદ્ધાસુમન

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત