આ જાણીતા અભિનેતાનું થયું નિધન ગળાના કેન્સરે જીવ લીધો
મુંબઇઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બી-ટાઉને ફરી એક વાર પોતાના ફેવરિટ સ્ટાર્સમાંથી એક ગુમાવ્યો છે. મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાના પાત્રો માટે જાણીતા અભિનેતા રવિન્દ્ર બર્ડેનું 78 વર્ષની વયે અવસાન થયું છે. રવિન્દ્ર બર્ડેએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
રવિન્દ્ર બર્ડેએ તેમની ભૂમિકાઓથી મરાઠી સિનેમામાં એક અલગ ઓળખ ઊભી કરી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ થોડા મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ લક્ષ્મીકાંત બર્ડેના ભાઈ હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર રવિન્દ્ર બર્ડેને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, પીઢ અભિનેતાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. બુધવારે સવારે રવિન્દ્ર બર્ડેને અચાનક હૃદયમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. તેમના નિધનથી રવિન્દ્ર બર્ડેનો પરિવાર સંપૂર્ણ રીતે વેરાન થઈ ગયો છે.
અભિનેતાના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્રો છે. આ પહેલા વર્ષ 1995માં એક નાટક દરમિયાન તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો. જે બાદ વર્ષ 2011માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. રવિન્દ્ર બર્ડેએ 300થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે. રવિન્દ્ર બર્ડેએ 1965માં થિયેટર દ્વારા અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.