હળવા અંદાજમાં સસ્પેન્સ પીરસતી ‘રૌતુ કા રાઝ’
નવાઝુદ્દીન સિદ્દીકી અને અતુલ તિવારી સ્ટારર ફિલ્મ ‘રૌતુ કા રાઝ’ 28 જૂને એટલે કે આજે ZEE5 પર રિલીઝ થઈ છે. સસ્પેન્સ ફિલ્મો ઘણા સમયથી આવી નથી, તેથી આ અલગ અને કંઇક નોખી કથાવસ્તુ લઇને આવેલી ફિલ્મ ‘રૌતુ કા રાઝ’ પર તમે પસંદગી ઉતારી શકો છો.
ઉત્તરાખંડમાં રાઉતુ નામની જગ્યાએ, એક સ્કૂલ હોસ્ટેલના વોર્ડનની હત્યા કરવામાં આવી છે. શાળાના લોકોનું કહેવું છે કે તેનું મૃત્યુ ઊંઘમાં થયું હતું અને પોલીસ તપાસ કરવા આવે છે. શરૂઆતમાં પોલીસને પણ લાગે છે કે આ કુદરતી મૃત્યુ છે પરંતુ પછી કેટલાક રહસ્યો સામે આવે છે અને તે જ આ ફિલ્મની વાર્તા છે.
આ એક પ્રામાણિક અને સ્વચ્છ ફિલ્મ છે જે પોતાની ગતિએ આગળ વધે છે. કોઈ ઢીંચક મ્યુઝિક નથી, કોઈ હીરોઈઝમ નથી, કોઈ ડાયલોગ્સ નથી છતાં પણ ફિલ્મ દિલ જીતી લે છે. ફિલ્મમાં ધીમી ગતિએ આગળ વધતું રોમાંચક રહસ્ય પણ તમને વ્યસ્ત રાખે છે. હત્યાની તપાસમાં ધીમે ધીમે પ્રકાશમાં આવતા રહસ્યો અને જે પાત્રો બહાર આવે છે તે રસ જાળવે છે.
આ પણ વાંચો : Health: Priyanka Chopraનો આ દેશી ઈલાજ થયો વાયરલ, તમે પણ જાણો ફાયદા
ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીના પાત્રનું નામ ઈન્સ્પેક્ટર દીપક નેગી છે, જે પોતાની યુક્તિઓથી એક મહિલાની હત્યાનો ભેદ ઉકેલે છે. ઇન્સ્પેક્ટર દીપક નેગીને નાના હિલ સ્ટેશન રૌતુમાં અચાનક હત્યાનો કેસ સોંપવામાં આવ્યો છે. જો કે, જ્યારે દીપક નેગી કેસ ઉકેલવા પહોંચે છે, ત્યારે સ્થાનિક પોલીસનું કહેવું છે કે રૌતુમાં 15 વર્ષથી કોઈ હત્યા થઈ નથી. અહીં લોકોના મર્ડર થતા નથી. લોકો કુદરતી રીતે જ મૃત્યુ પામે છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની ટીમ મહિલાની હત્યાનો ભેદ ઉકેલે છે. નવાઝે આ પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે. રાજેશ કુમાર એસઆઈ નરેશ પ્રભાકરના રોલમાં છે જે ખૂબ જ ફની છે. પોતાના કોમિક પંચથી તેમણે ફિલ્મને ફની બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે નાના પડદે જોવાની જ મઝા આવશે અને આમ પણ આ મર્ડર મિસ્ટ્રી છે તેથી તેના વિશે વધુ જણાવીને તમારી મઝા મારવાનો બિલકુલ ઇરાદો નથી.