રણબીર કપૂર બાદ હવે આ હિરોઇન સલ્લુભાઇ સાથે ઇશ્ક ફરમાવે છે
સુંદરતા અને અદભૂત અભિનયને કારણે નેશનલ ક્રશનું બિરૂદ પામેલી અને ‘એનિમલ’ અને ‘પુષ્પા’ જેવી સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી હવે રશ્મિકા મંદન્ના ફરીથી દર્શકોને આકર્ષવા જઈ રહી છે. રશ્મિકા મંદન્ના હવે સલમાન ખાનની ‘સિકંદર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભાઇજાન સાથએ ઇશ્ક ફરમાવશે. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. ચાહકોને 2025ની ઈદમાં સલમાન અને રશ્મિકાની અનોખી જોડી જોવા મળશે. આ ફિલ્મને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રોડક્શન હાઉસે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મમાં રશ્મિકાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.
‘કિક’, ‘જુડવા’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા સાજિદ નડિયાદવાલા હવે તેમના ખાસ મિત્ર સલમાન ખાન અને હોટ બેબ રશ્મિકા મંદન્નાને લઇને ‘સિકંદર’ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મની બાકીની કાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસ કરવાના છે. તેઓ ‘ગજની’ અને ‘હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યુટી’ જેવી મહાન ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. રશ્મિકા મંદન્નાની વાત કરીએ તો તે રણબીર કપૂર સાથે ‘એનિમલ’માં જોવા મળી હતી. હવે તે આગામી ‘કુબેર’, ‘રેનબો’, ‘ધ ગર્લફ્રેન્ડ’ ઉપરાંત સુકુમારની ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મમાં જોવા મળશે.