રણદીપ અને લિનના મણિપુરી લગ્નના ફોટા થયા વાયરલઃ ફેન્સે આપ્યા વધામણાં

આજે અભિનેતા રણદીપ હુડા અને તેની ગર્લફ્રેન્ડ લિન લેશરામ ઈમ્ફાલ ખાતે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. આ કપલ આજે મેતઈ રિવાજ મુજબ લગ્ન કરી રહ્યા છે. તેમના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે.
બન્ને મણિપુરી પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગે છે. લિનનો પહેરવેશ અને ઘરેણા એકદમ અલગ છે. તસવીરો અને વીડિયોમાં તે તેના પરિવાર અને સંબંધીઓથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. લગ્ન સમારોહના અન્ય એક વિડિયો અને તસવીરોમાં લિનને પરંપરાગત મણિપુરી દુલ્હનના પોશાકમાં જોઈ શકાય છે.
મણિપુરી વરરાજાના પરંપરાગત પોશાકમાં સફેદ સુતરાઉ ધોતી અથવા રોલ્ડ અપ પેન્ટ, કુર્તા અને પાઘડી, જેને સ્થાનિક રીતે કોકિત તરીકે ઓળખાય છેનો સમાવેશ થાય છે. ટિપિકલ વરરાજાની જેમ રણદીપ પણ સફેદ રંગની સાદી શાલમાં જોવા મળ્યો હતો. લિનએ પોટલોઈ અથવા પોલોઈ નામનો ડ્રેસ પહેર્યો હતો, જે જાડા કાપડ અને સખત વાંસથી બનેલો સ્કર્ટ જેવો હોય છે. તે ઘણીવાર સાટિન અને વેલ્વેટ ફેબ્રિકથી શણગારવામાં આવે છે અને ઝવેરાત અને ઝગમગાટથી શણગારવામાં આવે છે.
અલગ પહેરવેશ અને રીતરિવાજોને લીધે અન્ય બોલીવૂડ સેલિબ્રિટી કરતા તેમનાં લગ્ન જૂદા જ લાગે છે. વળી તેમણે અન્ય સેલિબ્રિટીની જેમ માર્કેટિંગ પણ કર્યું ન હોવાથી ખૂબ શાંતિથી તેમના લગ્ન થઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. તેમની તસવીરો અને વીડિયોને ફેન્સ પસંદ કરી રહ્યા છે અને વધામણાં આપી રહ્યા છે.