ઓનલાઇન સટ્ટાબાજી મામલે રણબીર કપૂરને EDએ પાઠવ્યું સમન્સ..
પ્રવર્તમાન નિદેશાલય-EDની ગાજ ફક્ત નેતાઓ પૂરતી સીમિત નથી રહી, હવે બોલીવુડના કલાકારો પણ EDની રડાર હેઠળ આવી ગયા છે. EDએ હવે બોલીવુડના જાણીતા અભિનેતા રણબીર કપૂર સામે હાજર થવાનું ફરમાન કાઢ્યું છે. ઓનલાઇન સટ્ટાબાજી મામલે રણબીરે 6 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર થવું પડશે.
ED હાલમાં મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસ મામલે તપાસ કરી રહી છે અને તેના સંદર્ભમાં બોલિવૂડના અન્ય ટોચના કલાકારો અને ગાયકોને પણ સમન્સ મોકલે તેવી શક્યતા છે.
એક મીડિયા સંસ્થાના રિપોર્ટ મુજબ ગત ફેબ્રુઆરી મહિનામાં UAEમાં યોજાયેલા મહાદેવ બુક એપ પ્રમોટર સૌરભ ચંદ્રકરના લગ્ન સમારોહમાં બોલીવુડના ઘણા જાણીતા કલાકારોએ હાજરી આપી હતી જેમાં ટાઇગર શ્રોફ, સની લિયોન, નેહા કક્કર, આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દાદલાની, એલી એવરામ, કોમેડિયન ભારતીસિંહ, ભાગ્યશ્રી, ક્રિતી ખરબંદા, નુસરત ભરુચા અને સુખવિંદર સિંહ સહિત સેલેબ્સે આ લગ્ન સમારોહમાં ઉપસ્થિત હતા.
મહાદેવ બુક એપ એ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે, જેની તપાસ ઈડી અને કેટલાક રાજ્યોના પોલીસ વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડિજિટલ પુરાવા મુજબ, મહાદેવ બુક એપએ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા 112 કરોડ રૂપિયા પહોંચાડ્યા હતા, જ્યારે હોટલ બુકિંગ માટે 42 કરોડ રૂપિયાની ચુકવણી રોકડમાં કરવામાં આવી હતી તેવું EDના સૂત્રોએ જાહેર કર્યું હતું.