
મર્યાદા પુરુષોત્તમ રામનું નામ જપવું અલગ વાત છે અને રામ જેવું સંયમી જીવન જીવવુ એ બીજી વાત છે. વાસ્તવિક જીવનમાં ભગવાન રામના ચિંધેલા માર્ગ પર જવાનું કઠિન છે જ, પણ રીલ લાઈફમાં એટલે કે પડદા પર પણ રામનું પાત્ર ભજવવું પણ એટલું જ અઘરું છે. આ માટે પણ અમુક ત્યાગ કરવા પડે છે, જે પડદા પરના રામે કર્યા છે. સૌથી પહેલા વાત કરીએ તો 90ની દશકના રામની એટલે કે અરૂણ ગોવિલની. ભારતીય જનમાનસમાં ભગવાન રામની જીવંત મૂર્તિ જો કોઈ હોય તો તે અરૂણ ગોવિલનો સ્મિતવાળો ચહેરો છે.
આજે પણ તેમને ભગવાન રામ માનતા ને નમન કરતા લોકો છે. અરૂણ ગોવિલે એક શૉમાં કહ્યું હતું કે રામનુ પાત્ર ભજવતા હતા ત્યારે અન્ય એક શૂટિંગ સમયે તેઓ સિગારેટ પી રહ્યા હતા. તેમને આ સિગારેટ પીતા જોઈ એક ફેન ભડકી ગયો હતો અને કહ્યું હતું કે અમે તો તમને ભગવાન માનીએ છીએ અને તમે સિગારેટ પીઓ છો. આ વાત ગોવિલને ખૂંચી ગઈ અને તેમણે આજીવન સ્મોકિંગ છોડી દીધું. આ સાથે તેમણે સાત્વિક જીવન જીવવાનું પણ શરૂ કર્યું. તો બીજા રામ એટલે 2008માં આવેલી રામાયણ સિરિયલના રામ ગુરુમિત ચૌધરી. ગુરુમિતે દોઢેક વર્ષ સુધી વાળ કપાવ્યા ન હતા. તેમણે પણ નોન વેન, સ્મોકિંગ, શરાબ બધુ છોડી દીધું હતું.
આ રીતે આદિપુરુષના રામ પ્રભાસે પણ ફિલ્મ બની ત્યાં સુધી ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવ્યું હતું અને આની અસર હજુ પણ તેના જીવન પર છે. પ્રભાસે નોનવેજ ફૂડ છોડી દેતા તેમના માતા નારાજ થયા હતા. હાલમાં રણબીર કપૂર પણ રામનું પાત્ર ભજવવાની તૈયારીમાં છે ત્યારે તેણે પણ દારૂ, નોનવેજ ફૂડ, પાર્ટી મૂકવાનો નિર્ણય કર્યો છે, તેમ મીડિયા અહેવાલો જણાવે છે. આવા નાના નાના ત્યાગ પણ આ હસતિઓ માટે મોટા સાબિત થતા હોય છે.