Happy Birthday: senior Bachhanની આ હીરોઈન 9 શ્વાન અને 32 ગાય સાથે આઝાદ જીવન જીવે છે
ઘણીવાર ખૂબ ચમકદાર જિંદગી જીવતા લોકો જલદીથી આવા જીવનથી કંટાળી જાય છે. તેમની રોનક જોઈને આપણને ભણે ઈર્ષા આવે કે તેવી જિંદગી જીવવાનું મન થાય પણ ચમકદમકની દુનિયા પાછળ ઘણીવાર અંધકાર છવાયેલો રહે છે અને તેથી ઘણી એવી હસતિઓ છે જે જીવનનો માર્ગ જ બદલી નાખે છે અને અલાયદું જીવન પસંદ કરે છે. આજે આવી જ એક અભિનેત્રીનો જન્મદિવસ છે. દેશ જ્યારે સ્વંતત્રતાનો પહેલો સુરજ જોઈ રહ્યો હતો ત્યારે બંગાળી પરિવારમાં 15 ઑગસ્ટ, 1947ના દિવસે એક બાળકીનો જન્મ થયો, જેનું નામ રાખી મજુમદાર. હિન્દી ફિલ્મજગતની અત્યંત સુંદર અને પ્રતીભાશાળી અભિનેત્રી રાખીનો આજે જન્મદિવસ છે.
આજના દિવસે જન્મી એટલે સ્વતંત્ર મિજાજની રાખીએ સમયમાં ઘણું એવું કર્યું છે ભારતની મહિલાઓ ન કરી શકી હોય. 16 વર્ષની ઉંમરે પિતાએ પરણાવી દીધી, પણ પત્રકાર પતિ સાથે મેળ ન પડ્યો એટલે માત્ર 18 વર્ષની ઉંમરે છુટાછેડા લઈ પોતાનું જીવન પોતાની રીતે જીવવા નીકળી પડી. પહેલા બંગાળી અને પછી હિન્દી ફિલ્મોમાં રાખીએ પોતાની ઓલખ બનાવી અને ઘણી સારી ફિલ્મો કરી. ફિલ્મમાં તમામ આગલી હરોળના હીરો લીડમાં હોવા છતાં રાખીની મજબૂત ભૂમિકા રહેતી હતી અને તે માત્ર ઝાડની આસપાસ ફરી ગીત ગાનારી હીરોઈન ક્યારેય ન લાગી.
રાખીના જીવનમાં ફરી એક પુરુષની એન્ટ્રી થઈ. હિન્દી ફિલ્મજગતના ઉત્કૃષ્ટ લેખક,ગીતકાર અને ફિલ્મસર્જકમાંના એક ગુલઝાર તેના જીવનમાં આવ્યા અને બન્નેએ લગ્ન કર્યા. આઝાદ મિજાજની રાખીએ 11 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન તો કર્યા પણ સાથે ફિલ્મોમાં કામ ન કરવાની તેમની શરત પણ માની. જોકે દીકરી મેઘનાના જન્મ બાદ બન્ને વચ્ચે સંઘર્ષ વધ્યો. અહેવાલો પ્રમાણે આંધીના શૂટિંગ દરમિયાન ગુલઝાર અને સુચિત્રા સેનની નિકટતા અને ગુલઝારે કરેલી મારપીટ બાદ રાખીએ સંબંધનો અંત આણ્યો અને તે અલગ થઈ જોકે બન્નેએ છૂટાછેડા નથી લીધા. ત્યારબાદ ફરી ફિલ્મોમાં આવી અને કભીકભીથી માંડી કરણ અર્જુન જેવી ફિલ્મોમાં કામ કર્યુ, અમિતાભ બચ્ચન સાથે ઘણી હીટ ફિલ્મો આપી, પણ ફરી પેલો સ્વંતત્ર મિજાજ કંઈક અલગ કહેતો હતો.
ચારેક દસકા સુધી હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલી રાખીએ અચાનક આ ગ્લેમર વર્લ્ડને છોડી પનવેલ ફાર્મ હાઉસ ખાતે રહેવાનું પસંદ કર્યું. શહેરની ભીડભાડ અને શોરબકોરથી દૂર અહીં તે પોતાના કામ પોતે કરે છે, નવ શ્વાન અને 32 ગાય ઉપરાંત કેટલાય પક્ષીઓ અને સાંપ પણ રાખીએ પાળી રાખ્યા છે. સાંપ હોય કે ગમે તે પ્રાણી-પક્ષી તમે તેને નહીં છંછેડો તો તે તમને નહીં છંછેડે તેમ રાખી સાફ કહે છે.
હજુ ગુલઝાર સાથેનો સંબંધ એ જ રીતે અકબંધ રાખ્યો છે, પુત્રી મેઘનાની પ્રગતિથી ખુશ છે, પણ પોતે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે. રાખીએ ખરેખર પોતાના જન્મદિવસ અને વર્ષને જીવી જાણ્યું છે, દુનિયાએ બાંધેલી સાંકડોથી અને પોતે બાંધેલા બંધનોથી પણ તે સ્વતંત્ર થઈ શકી છે.
રાખીને જન્મદિવસ મુબારક