રાજપૂત નેતાએ પુષ્પા 2ના નિર્માતાઓને આપી મારવાની ધમકી , જાણો કારણ!

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓ મોટી મુશ્કેલીમાં ઊભી થઇ ગઇ છે. રાજપૂત નેતા રાજ શેખાવતે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ના નિર્માતાઓને ધમકી આપી છે. તેમણે નિર્માતાઓ પર ફિલ્મમાં ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનો આરોપ નિર્માતાઓ પર લગાવ્યો છે. આ ફિલ્મમાં ફહાદ ફાસિલે વિલન ભંવરસિંહ શેખાવતની ભૂમિકા નિભાવી છે, તેને કારણે રાજપૂત નેતાએ ફિલ્મ પર ‘ક્ષત્રિય’ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
રાજ શેખાવતે આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મમાં ‘શેખાવત’ શબ્દનો વારંવાર ઉપયોગ કરીને સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે નિર્માતાઓને ફિલ્મમાંથી આ શબ્દ હટાવવાની માંગ કરી હતી. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું કે, ‘ફિલ્મમાં ક્ષત્રિયોનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. ‘શેખાવત’ સમુદાયને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. અભિવ્યક્તિની આઝાદીના નામે ફિલ્મ ઉદ્યોગ ક્ષત્રિયોનું અપમાન કરી રહ્યો છે અને ફરી એ જ કામ કર્યું છે.
રાજ શેખાવતે કહ્યું હતું કે, ‘ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મમાંથી ‘શેખાવત’ શબ્દનો સતત ઉપયોગ દૂર (ઓછો) કરવો જોઈએ, નહીં તો કરણી સેના તેમના ઘરમાં ઘૂસીને તેમને મારશે અને જરૂર પડશે તો કોઈપણ હદ સુધી જશે.’ જો કે હજુ સુધી આ મામલે ફિલ્મ નિર્માતા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને પુષ્પા 2 બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. સિનેમા હોલમાં હાઉસફુલ શો જોવા મળી રહ્યા છે. પુષ્પા 2 ની ટીમ અનુસાર, ફિલ્મે તેની રિલીઝના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે 294 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પુષ્પા 2 એ હિન્દી ભાષામાં શાહરૂખ ખાનની ‘જવાન’નો પ્રથમ દિવસનો રેકોર્ડ અને ‘RRR’નો રૂ. 156 કરોડનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
આ પણ વાંચો :Box office પર Pushpa 2ને અભૂતપૂર્વ પ્રતિસાદ, વિકેન્ડ પૂરું થતા આટલા કરોડની કમાણી કરી
આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ‘પુષ્પા રાજ’ તરીકે, રશ્મિકા મંદન્ના ‘શ્રીવલ્લી’ તરીકે અને ફહાદ ફાસીલ ‘ભંવર સિંહ શેખાવત’ ની ભૂમિકામાં છે. અલ્લુ અર્જુનને આ ફિલ્મના પહેલા ભાગમાં અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. સુકુમાર દ્વારા દિગ્દર્શિત ‘પુષ્પા’ના પહેલા ભાગમાં લાલ ચંદનની દાણચોરીની વાર્તા બતાવવામાં આવી હતી અને હવે આ વાર્તાને બીજા ભાગમાં આગળ વધારવામાં આવી છે.