ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીને કોર્ટે વિદેશ જવાની પરવાનગી આપી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને 5 જાન્યુઆરી સુધી વિદેશ પ્રવાસની છૂટ આપી હતી. સંતોષીની ફિલ્મ લાહોર 1947ના પ્રમોશન માટે આ રાહત તેમને મળી હતી. કોર્ટે ડિરેક્ટરની ચેક રિટર્ન કેસમાં બાકી રહેલી રકમ જમા કરવા પણ ફરમાન કર્યું હતું.
જામનગરની મેજેસ્ટ્રિયલ કોર્ટે 11 ચેક રિટર્ન થયાના કેસમાં સંતોષીને બે વર્ષની જેલ આપી હતી. આ દરેક ચેકની રકમ રૂ. દસ લાખ હતી. સેશન્સ કોર્ટે તેમની સજા યથાવત હતી, પંરતુ હાઈ કોર્ટે 30મી ઑક્ટોબરના રોજ સજાને સસ્પેન્ડ કરી અને તેમને સશરત જામીન આપ્યા હતા. આ શરતોમાંની એક શરત એ હતી કે સંતોષીએ વિદેશ જતા પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે.
આપણ વાચો: ચેક રીટર્ન કેસમાં બોલીવુડના દિગ્ગજ ડિરેક્ટરને બે વર્ષની કેદ, ગુજરાતી ઉદ્યોગપતિએ કરેલો કેસ
સંતોષીએ દુબઈ જવા માટે પરવાનગી માગી હતી અને અને ટિકિટ પણ રજૂ કરી હતી. આ ટિકિટ દ્વારા જાણી શકાય છે કે તેઓ મંગળવારે ભારત છોડી દુબઈ જશે અને ચોથી જાન્યુઆરીએ મધ્યરાત્રિએ પરત ફરશે.
સંતોષીએ જમા કરવાની રૂ. 1.10 કરોડની રકમમાંથી રૂ. 35 લાખની રકમ ભરવા માટે વધારાના આઠ અઠવાડિયા માગ્યા હતા. સંતોષીએ અત્યાર સુધીમાં રૂ. 35 લાખ જમા કરાવ્યા હતા. જાન્યુઆરી મહિનાના અંતમાં સંતોષીને બાકી રકમ જમા કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.



