Happy Birthday: પહેલી ફીમાં 11,000ના શુકન થયા અને હવે કરોડોમાં રમે છે આ કલાકાર

કલાકાર અને સ્ટારમાં ફરક છે. કમર્શિયલ ફિલ્મો જ કરી કરોડો કમાનાર સ્ટાર બને છે, પરંતુ નાની-મોટી ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓ નિભાવી એક પછી એક પગથિયા ચડનાર કલાકાર હોય છે, જેમની ઓળખ તે પોતે પાતાની એક્ટિંગ કે સ્કીલથી બનાવે છે. આવા જ બોલીવૂડના પ્રિન્સ રાજકુમાર રાવનો આજે જન્મદિવસ છે.
રાજકુમાર રાવે ઘણું સંઘર્ષમય જીવન જીવ્યું છે. ગુડગાંવના સામાન્ય પરિવારમાં જન્મેલો રાજકુમાર દિલ્હીમા ભણ્યો. અહીં ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ કિસ્મત અજમાવી પણ કંઈ કામ થયું નહીં. અંતે થિયેટર જોઈન કર્યું. ઈચ્છા એક્ટિંગની જ હતી, પણ પૈસા ન હતા એટલે સાયકલ લઈને ગૂડગાંવથી દિલ્હી જતો હતો. ત્યારબાદ મુંબઈ આવ્યો અને લવ સેક્સ ઔર ધોખામાં બ્રેક મળ્યો. પૈસા તો માત્ર રૂ. 11,000 જ મળ્યા. પણ રાજકુમારને આદર્શના પાત્રમાં ઓળખ મળી. ત્યારબાદ રાગિની એમએમએસ આવી તેમાં પણ રોલ મળ્યો. પણ રાજકુમારને બ્રેક મળ્યો અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વસેપુરમાં. શમશાદ આલમના રોલમાં તેણે સૌને ચોંકાવી દીધા. આ ફિલ્મે બોલીવૂડને ઘણા સારા અભિનેતા આપ્યા અને તેમાંનો એક રાજકુમાર. ત્યારબાદ તો રાજકુમારનું રાજ શરૂ થયું.
60 કરતા પણ વધારે ફિલ્મો કરનારા રાજકુમાર અત્યાર સુધીમાં 52 એવોર્ડ્સ જીતી ચૂક્યો છે. ફિલ્મ શાહિદ માટે તેણે નેશનલ એવોર્ડ મેળવ્યો છે. બરેલી કી બર્ફી, કાયપો છે, ભૂલ ચૂક માફ, સ્ત્રી જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગ સ્કીલ બધાથી અલગ તરી આવી છે.
હવે રાજકુમાર રાવ તમને Saurav Ganguliના રોલમા જોવા મળશે. રાજકુમારની પત્ની પત્રલેખા પણ આવી જ કલાકારા છે.