રાજ કુમારે રામાનંદ સાગરને કહ્યું, ‘મેરા કુત્તા ભી યે રોલ ન કરે…’ અને પછી આ એકટરે કરી ફિલ્મ અને હિટ ગઈ, જાણો રસપ્રદ કિસ્સો…

મુંબઈ: બોલિવૂડના સ્ટાઈલ કિંગ તરીકે જાણીતા અભિનેતા રાજ કુમાર (Actor Raj Kumar), જેમણે સદાબહાર ફિલ્મો પાકીઝા, સૌદાગર, તિરંગા અને નીલ કમલમાં પોતાના અભિનયનો જાદુ વિખેર્યો હતો, તેઓ તેમના અલગ અંદાઝ અને સ્ટાઈલ માટે જાણીતા હતા. જ્યારે રાજ કુમાર તેના ગળા પર હાથ ઘસતા, ‘જાની..’ બોલતા ત્યારે થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠતું.
રાજ કુમાર તેમની સ્ટાઈલની સાથે-સાથે તેમના અવાજ અને હાજર જવાબી માટે પણ પ્રખ્યાત હતા. તે પોતાની હાજર જવાબીથી મોટા મોટા ખેરખાંના મો બંધ કરી દેતા હતા. રાજકુમારને લઈને બૉલીવુડમાં ઘણા કિસ્સાઓ પ્રખ્યાત છે પરંતુ રામાનંદ સાગર (Ramanand Sagar) સાથેના એક કિસ્સાથી લગભગ ઘણા ઓછા લોકો જાણીતા હશે.
વર્ષ 1968માં રિલીઝ થયેલી ફિલ્મ આંખે (Film Ankhen, 1968 ) ધર્મેન્દ્રના (Dharmendra) કરિયરની સફળ ફિલ્મોમાં સામેલ છે. પરંતુ પહેલા રામાનંદ સાગર પોતાના મિત્ર રાજ કુમારને આ ફિલ્મ માટે સાઈન કરવા માંગતા હતા. આ માટે તેણે રાજ કુમારને ફિલ્મની વાર્તા પણ સંભળાવી હતી પરંતુ કદાચ તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ પસંદ આવી ન હતી.
કહેવાય છે કે રાજ કુમારે પોતાના પાલતુ કૂતરાને બોલાવ્યો અને તેની સામે ફિલ્મની વાર્તા સાંભળવા લાગ્યા અને પૂછ્યું કે શું તેને આ ગમશે? શું તમે ફિલ્મ કરશો? ત્યારે રાજકુમારે રામાનંદ સાગરને કહ્યું કે જુઓ, મારો કૂતરો પણ આ ફિલ્મમાં કામ કરવા નથી માંગતો.
રાજ કુમારની વાત સાંભળીને રામાનંદ સાગરને ખૂબ જ ખરાબ લાગ્યું અને તે ત્યાંથી ચાલ્યા ગયા. બંનેએ ફરી ક્યારેય સાથે કામ કર્યું નથી. 1968માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ધર્મેન્દ્રએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મની ગણતરી ધર્મેન્દ્રના કરિયરની સફળ ફિલ્મોમાં થાય છે.