Rahat Fateh Ali Khan તેના નોકરને ચપ્પલ વડે માર માર્યો, Viral Video થતાં ગાયકે કર્યો આવો ખુલાસો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તે પોતાના ઘરના નોકરને ચપ્પલ વડે મારતો જોવા મળ્યો હતો. વીડિયો જોઈને એ સમજી શકાય છે કે કોઈ બોટલ ના મળવાના કારણે રાહત ફતેહઅલી ખાને તેના નોકરને માર માર્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે રાહત ફતેહ અલી ખાનની તેના ચાહકોએ ખૂબજ ટીકા કરી હતી. આ ઘટના બાદ હવે રાહત ફતેહ અલી ખાને વધુ એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી અને ખુલાસો કર્યો છે. નવા વીડિયોમાં રાહતનો નોકર અને તેના પિતા બંને રાહત સાથે જોવા મળી રહ્યા છે. પોતાની ભૂલ પર સ્પષ્ટતા આપતા રાહત કહે છે કે વીડિયોમાં જે દેખાય છે તે એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ છે.
રાહત ફતેહ અલી ખાન પોતાની ગાયકી અને કવ્વાલીથી લોકોને દિવાના બનાવે છે, ત્યારે તેમના ઘરમાં કામ કરતા નોકરો પ્રત્યેનું તેમનું વર્તને તેમના ફેન્સને ચોંકાવી દીધા હતા. બોલિવૂડમાં ઘણા સુપરહિટ ગીતો ગાઈ ચૂકેલા રાહતનો વીડિયો જોઈને તેના ભારતીય ચાહકો પણ તેનાથી ઘણા નિરાશ થયા હતા અને તેમને રાહતને ખૂબજ ટ્રોલ પણ કર્યા હતા. ઓનલાઈન વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કથિત રીતે રાહત ફતેહ અલી ખાન કર્મચારીને વારંવાર થપ્પડ મારતા અને લાતો મારતા જોવા મળે છે, તેમજ ચપ્પલ વડે પણ મારતા જોઈ શકાય છે.
રાહત ફતેહ અલી ખાનના અન્ય એક વિડિયોમાં જે નોકરને માર મારવામાં આવ્યો હતો તેણે કહ્યું હતું કે તેણે એક બોટલ ગુમાવી છે જેમાં ‘દમ કિયા હુઆ પાની’ એટલ કે પવિત્ર પાણી હતું. આ ઉપરાંત તે વ્યક્તિએ કહ્યું હતું કે જે લોકોએ વીડિયો ફેલાવ્યો છે તે મારા ‘ઉસ્તાદ’ને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે ઉસ્તાદજી આવ્યા અને મારી માફી માગી. તે મારા પિતા અને ગુરુ સમાન છે અને પિતા પોતાના પુત્રને સજા કરે તેમાં કંઈ ખોટું નથી. આ વિડીયો બનાવીને મારા ગુરુને બ્લેકમેલ કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.