
મુંબઈઃ આમ આદમી પાર્ટી (આપ)ના જાણીતા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પત્ની પરિણિતી ચોપરા (Raghav Chadha & Parineeti Chopra)એ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના સજોડે દર્શન કર્યા હતા. લંડનમાં આંખોની સર્જરી કરાવ્યા પછી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સિદ્ધિ વિનાયક મંદિરમાં પત્ની સાથે જોવા મળ્યા હતા.
બોલીવુડની અભિનેત્રી પરિણિતી ચોપરાએ પોતાના પતિ સાથે દક્ષિણ મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કર્યા પછી બંનેની તસવીરો જોરદાર વાઈરલ થઈ હતી, જ્યારે તેમના ચાહકોએ પણ મંદિરના પરિસરમાં તેમની તસવીરો ખેંચી હતી. પરિણિતી ચોપરા ઓફ વ્હાઈટ કલરનો સલવાર સૂટમાં સજ્જ હતી, જ્યારે રાઘવ ચઢ્ઢાએ સિમ્પલ વ્હાઈટ કુર્તા પાયઝામા પહેર્યો હતો.
રાઘવ અને પરિણિતીએ મંદિરમાંથી દર્શન કર્યા બાદ પાપારાઝીને પણ સ્માઈલિંગ પોઝ આપ્યા હતા. રાઘવ પોતાની આંખોને ઢાંકવા માટે બ્લેક કલરના સનગ્લાસ પહેર્યા હતા, જ્યારે લોકોને જાણ થયા પછી મંદિરના પરિસરમાં લોકોની ભીડ થઈ ગઈ હતી.
લોકસભાની ચૂંટણી વખતે ગાયબ થનારા રાઘવ ચઢ્ઢા અંગે અનેક પ્રકારના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા હતા ત્યારે રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે આંખોની ગંભીર બીમારી માટે બ્રિટન જવું પડ્યું હતું. સર્જરી પછી ભારત આવી ગયા છે. તાજેતરમાં રાઘવ ચઢ્ઢા દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલની જનસભાને સંબોધતા જોવા મળ્યા હતા. પરિણિતી ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘ચમકીલા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની કામગીરીની પણ લોકોએ વિશેષ પ્રશંસા કરી હતી.