પુષ્પા-2 900 કરોડ પારઃ કોરોના બાદ બીજા વીક એન્ડમાં આટલી કમાણી કરનારી પહેલી ફિલ્મ…
કોરોનાકાળ બાદ ફિલ્મો થિયેટરમાં પહેલું અઠવાડિયુ કાઢી નાખે તો પણ નિર્માતાઓને હાશકારો થતો હતો. બહુ ઓછી ફિલ્મો છે કે જે બીજા વીક એન્ડમાં સારી કમાણી કરી શકી હોય અને ત્રીજા અઠવાડિયા માટે પણ થિયેટરોમાં ટકી રહેવાનો સંકેત આપતી હોય. જોકે જે રીતે સુકુમારની પુષ્પા-2 થિયેટરોમાં ધૂમ મચાવે છે તે જોતા આખો મહિનો ખેંચી જશે તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો : પુષ્પા-2ના દસમાં દિવસના કલેક્શને સૌને ચોંકાવ્યા, બીજા વીક એન્ડમાં પણ હાઉસફૂલ
પુષ્પા-2એ રિલિઝ થયાના બીજા રવિવારે રૂ. 75 કરોડની બંપર કમાણી કરી નાખી છે. 4થી ડિસેમ્બરે રિલિઝ થયા બાદ ફિલ્મ રોકાવાનું નામ જ લેતી નથી. મૂળ તેલુગુ ફિલ્મે દક્ષિણ ભારત કરતા પણ વધારે ઘેલું હિન્દી બેલ્ટમાં લગાડ્યું છે અને સતત કમાણી કરતી રહી છે.
કોરોનાકાળ પહેલા બાહુબલી-2 અને દંગલ ફિલ્મએ બીજા વીક એન્ડમાં રૂ. 100 કરોડો આંકડો પાર કર્યો હતો, પરંતુ કોરોનાકાળ બાદ બીજા વીકએન્ડમાં રૂ. 100 કરોડ કરતા વધારે કમાનારી પહેલી ફિલ્મ બની છે. શનિ અને રવિવારનો આંકડો એકત્ર કરીએ તો ફિલ્મે 10મા અને 11માં દિવસે રૂ. 137 કરોડની કમાણી કરી છે. ભારતમાં ફિલ્મની કુલ કમાણી રૂ. 900 કરોડને પાર થઈ છે. જેમાંથી રૂ.553 કરોડ હિન્દી વર્ઝને કમાયા છે. ફિલ્મે પહેલા દિવસે જ દેશભરમાં રૂ. 164 કરોડ કમાયા હતા. (Puspa-2 The Rule box office collections)
આ પણ વાંચો : વરૂણ ધવને અમિત શાહને કહ્યા હનુમાન, પૂછ્યું રામ અને રાવણમાં અંતર શું?
સુકુમારની પુષ્પા-1 ધ રાઈઝ 2021માં રિલિઝ થઈ હતી અને ત્રણ વર્ષ બાદ 2024ના અંતમાં પુષ્પા-2 ધ રૂલે તરખાટ મચાવ્યો છે. આ વર્ષની સૌથી હીટ ફિલ્મ સાબિત થઈ છે. હવે માત્ર વરૂણ ધવનની ફિલ્મ છે, જે આવતા અઠવાડિયે થિયેટરોમાં રિલિઝ થશે. ત્યારબાદ 2025માં સિનેમાજગત દર્શકો માટે શું લઈને આવે છે, તે જોવાનું રહેશે.