મધરાતે 3 વાગ્યે આ રીતે બ્લિંકિટનો ડિલીવરી બોય દેવદૂત થઈ આવ્યો બે યુવકોની વ્હારે, વીડિયો થયો વાઈરલ…

જો આપણે કોઈ મુસીબતમાં ફસાઈએ તો એમાંથી બહાર નીકળવા માટે આપણે પોલીસ, ફાયર બ્રિગેડ કે પછી અન્ય કોઈ સરકારી એજન્સીની મદદ લઈએ છીએ. પરંતુ જો તમને કોઈ કહે કે મહારાષ્ટ્રના પુણેમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં બે યુવકોએ પોતાને બચાવવા માટે પોલીસ કે ફાયર બ્રિગેડને કોલ કરવાને બદલે ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કરતા બ્લિન્કિટને કોલ કર્યો હતો. બ્લિન્કિટનો ડિલીવરી બોય આ બંને યુવકો માટે ભગવાનની જેમ વહારે આવ્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે આખી સ્ટોરી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ ઘટના મહારાષ્ટ્રના પુણે શહેરની છે. મિહિર ગહુકેર અને તેનો મિત્ર રાતે 3 વાગ્યે ઘરની બાલ્કનીમાં લોકમાં થઈ જાય છે. નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તો કેટલાક ઉત્સાહી લોકો આ ઘટનાને વર્ષ 2026નો પહેલો મોટો કાંડ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો : બ્લિંકિટ, ઝેપ્ટો કે સ્વિગી કોણ છે સૌથી ફાસ્ટ? એક મહિલાએ કર્યો આવો પ્રયોગ, સોશિયલ મીડિયા પર ચર્ચા
શું છે આખી સ્ટોરી…
મધરાતે આશરે 3 વાગ્યે મિહિર અને તેનો મિત્ર ભૂલથી પોતાના જ ફ્લેટની બાલ્કનીમાં લોકન થઈ ગયા હતા. બાલ્કનીનો દરવાજો બહારથી લોક થઈ ગયો હતો. ઘરમાં મિહિરના માતા-પિતા ગાઢ નિંદ્રામાં હતા. બંને મિત્રોને ડર હતો કે જો તેઓ જોરથી બૂમો પાડશે અથવા દરવાજો ખખડાવશે, તો માતા-પિતા જાગી જશે અને અડધી રાત્રે તેમને ઠપકો સાંભળવો પડશે.
આ મુસીબતમાંથી બહાર આવવા માટે મિહીરે પોતાનું ગજબનું ભેજું લગાવ્યું અને તેણે તરત જ બ્લિંકિટ એપ ખોલી અને ખાવાની નાની-મોટી વસ્તુ ઓર્ડર કરી. આવું કરવાનો મુખ્ય હેતુ સામાન મંગાવવાનો નહીં, પરંતુ કોઈ એવી વ્યક્તિને બોલાવવાનો હતો જે ઘરની બહારથી અંદર આવીને તેમનો દરવાજો ખોલી શકે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યાર જ જોઈ લો…
આ પણ વાંચો : Zomato હવે આ નામની ઓળખાશે, આ કારણે કંપનીએ બદલ્યું નામ
ઓર્ડર પ્લેસ થયા બાદ જેવો ડિલિવરી એજન્ટ સામાન લઈને પહોંચ્યો કે મિહિરે બાલ્કનીમાંથી જ ફોન લગાવીને આખી વસ્તુ સ્થિતિ સમજાવી હતી. મિહિરે ધીરેથી એજન્ટને સમજાવ્યું કે ઘરનો મુખ્ય દરવાજો કેવી રીતે ખોલવો અને અવાજ કર્યા વગર બાલ્કનીનો લોક કેવી રીતે ખોલવો. ડિલિવરી બોયે પણ પૂરી સાવધાની રાખીને માતા-પિતાને જગાડ્યા વગર બંને મિત્રોને બાલ્કનીમાંથી બહાર કાઢ્યા હતા.
મિહિરે આ સમગ્ર ‘રેસ્ક્યુ ઓપરેશન’નો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ખુદ બ્લિંકિટે આ વીડિયો પર કમેન્ટ કરી છે. બ્લિંકિટ કંપનીએ પોતે આ વીડિયો પર મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે આવું તો માત્ર પુણેમાં જ થઈ શકે છે!. બીજા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે બ્લિંકિટ હવે માત્ર સામાન જ નહીં, આઝાદી પણ ડિલિવરી કરે છે. બીજા એક યુઝરે મજાકમાં પૂછ્યું કે જો ડિલિવરી બોયે દરવાજો ખોલવા માટે ૨ મિનિટમાં પહોંચવાની શરત મૂકી હોત તો?



