Poonam Pandey: પૂનમ પાંડેની મુશ્કેલી વધી, ₹100 કરોડનો માનહાનિનો દાવો
કાનપુર: પોતના મૃત્યુના ફેક ન્યુઝ ફેલાવીને મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે મુસીબતમાં ફસાઈ છે. પૂનમ અને તેના પતિ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ FIR નોંધાવી હતી. FIRમાં ફરિયાદીને એવો દાવો કર્યો હતો કે પૂનમ અને સેમ બંનેએ પૂનમના મૃત્યુનું બનાવટી કાવતરું ઘડ્યું હતું, કેન્સરની ગંભીરતાને તુચ્છ ગણાવી હતી અને લોકોની લાગણીઓ સાથે છેડછાડ કરી હતી. તેણે અરજી કરી કે બંનેની ધરપકડ કરીને કાનપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવે.
FIRમાં જણાવવામાં આવ્યું છે કે, “પૂનમ પાંડે અને તેનો પતિ સમીર બોમ્બેએ મૃત્યુનું ખોટું કાવતરું ઘડ્યું હતું. આ સાથે કેન્સર જેવી બીમારીની મજાક ઉડાવી હતી. પૂનમે પ્રસિદ્ધિ માટે નાટક રચ્યું હતું અને કરોડો ભારતીયો અને બોલિવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લાગણીઓ સાથે છેડછાડ કરી છે.” ફૈઝાન અન્સારીએ એવો પણ દાવો કર્યો હતો કે તે તેમની સામે ₹100 કરોડનો દાવો દાખલ કરશે.
નોંધનીય છે કે ગત 2જી ફેબ્રુઆરીના રોજ પૂનમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સર્વાઈકલ કેન્સરથી તેનું મૃત્યુ થયું છે. તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, એક દિવસ પછી પૂનમેં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું કે જીવિત છે, સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેણે આવું કર્યું હતું.
કેન્દ્ર સરકાર દેશના રોગપ્રતિરક્ષા કાર્યક્રમ હેઠળ 9-14 વર્ષની વયની છોકરીઓ માટે HPV રસીનો સમાવેશ કરશે એવી જાહેરાત થયાના એક દિવસ બાદ પોનામે આ પબ્લીસીટી સ્ટંટ કર્યો હતો. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સે પણ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.