મેટ્રોમાં વાગ્યા જય શ્રી રામના નારા અને ગરબા: અભિનેત્રી પૂજા ભટ્ટ થઈ લાલચોળ

મુંબઈઃ દેશભરમાં નવરાત્રિ અને દુર્ગાપૂજા નિમિત્તે દિવ્ય માહોલ જોવા મળ્યો હતો. આવો જ એક માહોલ તાજેતરમાં મુંબઈની મેટ્રોમાં પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જાણીતી અભિનેત્રી પૂજા ભટ્ટ ગુસ્સામાં જોવા મળી હતી. અભિનેત્રીએ સાર્વજનિક સ્થળે આવા વર્તન પર સવાલ ઉઠાવ્યા હતા તેમ જ આવું વર્તન કરનારાઓને ફટકાર લગાવી હતી.
આ અગાઉ પૂજા ભટ્ટે ઘણીવાર કોઈ પણ મુદ્દા પર અવાજ ઉઠાવીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, પરંતુ પહેલી વાર ધાર્મિક મુદ્દે બોલી છે. તાજેતરમાં મુંબઈ મેટ્રોમાં લોકોને ‘જયશ્રી રામ’ના નારા લગાવતા અને ગરબા રમતા જોવા મળ્યા હતા, ત્યારે આ મુદ્દે પૂજા ભટ્ટે જાહેરસ્થળે આવું કરવા બદલ તેમની આકરી ટીકા કરી.
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કુણાલ પુરોહિત નામના યુઝરે શેર કર્યો છે, જેમાં મુંબઈ મેટ્રોની અંદર મુસાફરો જયશ્રી રામના નારા લગાવી રહ્યા છે.
વીડિયોમાં મુંબઈ મેટ્રોમાં કેટલાક પ્રવાસીઓ સીટ પર બેઠા છે તો કેટલાક ફ્લોર પર બેસીને ‘ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા’ ગાઈ રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ ગુજરાતી ગરબા ગીતો ગાતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ‘હકીકતમાં, હિન્દુત્વ પૉપ મ્યુઝિક આ જ હેતુ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Deepika Padukone કે Malaika Arora નહીં આ છે ઈન્ડસ્ટ્રીની નવી ફિટનેસ ક્વીન…
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોના વિવિધ વર્ગોમાં તેનું સહજ આકર્ષણ છે. શ્રીમંત, ઉચ્ચ વર્ગના યુવાનોને મહાનગરમાં તેને ગાવામાં કોઈ સમસ્યા દેખાતી નથી. હિન્દુત્વ પૉપ બધે જ છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે તેની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, અભિનેત્રી પૂજા ભટ્ટને તે બિલકુલ પસંદ ન આવ્યું.
વીડિયો શેર કરતી વખતે પૂજા ભટ્ટે એક સવાલ ઉઠાવ્યો છે અને લખ્યું છે કે, ‘જાહેર સ્થળોએ આ કેવી રીતે યોગ્ય છે? હિન્દુત્વ પૉપ, ક્રિસમસ કેરોલ, બોલિવૂડ બ્લોકબસ્ટર અથવા કંઈપણ હોય તે કોઈ વાંધો નથી. જાહેર સ્થળોનો આ રીતે દુરુપયોગ કરી શકાય નહીં.
સત્તાવાળાઓ આને કેવી રીતે અને શા માટે મંજૂરી આપી રહ્યા છે? હવે આપણે દુરુપયોગ પર ધ્યાન આપીએ.’ તેમણે બીજી પોસ્ટમાં લખ્યું, ‘જો લોકો મૂળભૂત નાગરિક નિયમોનું પાલન ન કરી શકે તો કાયદો અને વ્યવસ્થા ક્યાંય લાગુ કરી શકાય નહીં.’
અભિનેત્રીએ આગળ લખ્યું, ‘તમામ રાજકીય પક્ષોના ગેરકાયદેસર હોર્ડિંગ્સ શહેરને કદરૂપું બનાવી રહ્યા છે. મેટ્રોને પાર્ટી ઝોનમાં ફેરવી દેવામાં આવી છે. હુમલાખોરોના કવર તરીકે રસ્તાની વચ્ચે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે.’
તમને જણાવી દઈએ કે ફટાકડાવાળી પૂજા ભટ્ટની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની દશેરા સરઘસ અને ફટાકડાની આડમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.