PoKમાં થતા માનવાધિકાર ઉલ્લંઘન પર પહેલા ધ્યાન આપો: Elvish Yadav કોના પર ભડક્યો?

મુંબઈ: ઇઝરાયલ દ્વારા રફાહ પર હુમલો કરવામાં આવ્યો જેમાં અનેક લોકોના મૃત્યુ થયા ત્યાર બાદ અનેક સેલિબ્રિટીઓએ રફાહ ઉપર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી અને એ વિશે ટ્વિટ પણ કર્યા હતા. ઑલ આઇઝ ઑન રફાહ (All eyes on Rafah) નામનું હેશ ટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું હતું અને સેલિબ્રિટીઝ પણ આ હેશ ટેગ સાથે ટ્વિટ કર્યા હતા.
જોકે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેમ જ બીગ બોસ ઓટીટી 2ના વિજેતા એલ્વિશ યાદવ ભારતના તેમ જ વિશ્વના સેલિબ્રિટીઝ પર ભડક્યો હતો અને રફાહ બદલ ટ્વિટ કરીને સહાનુભૂતિ દાખવવા બદલ તેમની મજાક પણ કરી હતી.
સેલિબ્રિટીઝની મજાક ઉડાવવાનું કારણ તેમના દ્વારા પાકિસ્તાન દ્વારા હડપવામાં આવેલા કાશ્મીર એટલે કે પીઓકેમાં ખાસ કરીને હિંદુ, શીખ અને ખ્રિસ્તી જેવી લઘુમતિઓ પર થઇ રહેલા અત્યાચાર અને માનવાધિકાર ઉલ્લંઘન વિશે ક્યારેય ટ્વિટ કરવામાં ન આવ્યું હોવાનું છે.
આ પણ વાંચો : શું છે #All Eyes On Rafah? Bollywood Celebsની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ છે ઉલ્લેખ…
એલ્વિશે પોતાના ટ્વિટર પર ‘કોઇ પણ ધર્મના નિર્દોષ લોકોની થઇ રહેલી હત્યાની હું નિંદા કરું છું, માય આઇઝ ઑન પીઓકે’ કેપ્શન લખીને એક ફોટો ટ્વિટ પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટ મારફત એલ્વિશ સેલિબ્રિટીઝને પહેલા પીઓકેમાં થઇ રહેલા અત્યાચારો પર ધ્યાન આપવાનું કહેતો હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી હતી.

અનેક લોકોએ એલ્વિશના આ ટ્વિટને યોગ્ય ગણાવ્યું હતું અને તેની વાતનું સમર્થન કર્યું હતું. જ્યારે બીજી બાજુ રફાહ અને પેલેસ્ટાઇનના સમર્થકોએ એલ્વિશે કરેલા ટ્વિટની ટીકા કરી હતી અને કોમેન્ટ્સમાં તેની વિરુદ્ધ ટીપ્પણી કરી હતી.
અમુક લોકોએ એલ્વિશની વાતનું સમર્થન કરતા કહ્યું હતું કે આપણા દેશના લોકોએ આપણા ભાઇઓ સાથે આપણા પાડોશી દેશમાં શું થઇ રહ્યું છે તેની ચિંતા કરવી જોઇએ જે તેમણે ક્યારેય કરી જ નથી. જ્યારે અમુક લોકોએ એલ્વિશને વખોડતા કહ્યું હતું કે એલ્વિશ યાદવને જરાય શરમ નથી. કેટલાક લોકોએ એલ્વિશ કરતાં મુનવ્વર ફારુકીને સારો ગણાવ્યો હતો, કારણ કે મુનવ્વર પેલેસ્ટાઇન, ગાઝા અને રફાહની તરફેણમાં સતત રહ્યો છે.