મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ નીતિ-નિયમો બધું નેવે મૂકી અડધી રાતે લગ્ન કરવા પહોંચ્યો હતો આ અભિનેતા

80-90ના દાયકામાં પણ કોઈ આધુનિક પુરુષની સપનાની રાણી ઉંમરમાં સાત વર્ષ મોટી અને ડિવોર્સી તો લગભગ ન જ હોઈ શકે. પણ જે સપનામાં ન બને તે હકીકતમાં બનતું હોય છે. પ્રેમ થાય ત્યારે બીજી બધી વાતો ગૌણ થઈ જતી હોય છે. આવું જ થયું હતું આજના બર્થ ડે બૉય સાથે જ્યારે લગ્ન કરવા અડધી રાત્રે મંદિર પહોંચ્યો હતો.

આ અભિનેતાની પત્ની પણ અભિનેત્રી છે અને ભારતીય નારીની પારંપારિક વ્યાખ્યામાં ફીટ બેસે તેમ નથી. એક કૉમેડી શૉમાં તે સતત હસતી જોવા મળે છે અને તેને એક બૉલ્ડ લેડી તરીકે જ આપણે ઓળખીયે છીએ. યસ સહી પહેચાના… વાત કરી રહ્યા છીએ અર્ચના પુરનસિંહના પતિ અને ડીડીએલજે અને જસ્સી જૈસી કોઈ નહીંના અભિનેતા પરમીત સેઠીની.

આજે પરમીત સેઠીનો જન્મદિવસ છે. પરમીત સેઠી ભલે આ દિવસોમાં મોટા પડદા પરથી લગભગ ગાયબ હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે ઘણી યાદગાર અને ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું હતું. મોટા પડદાની સાથે સાથે પરમીતે નાના પડદા પર પણ ધૂમ મચાવી છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો કુલજીત હોય કે ‘જસ્સી જૈસી કોઈ નહીં’ના રાજ મલ્હોત્રા, દરેક પાત્રમાં પરમીત સેઠીને દર્શકોએ પસંદ કર્યો છે.


પરમીતની અર્ચના પુરણ સિંહ સાથેની લવસ્ટોરી એકદમ ફિલ્મી છે. અર્ચનાએ ‘કપિલ શર્મા શો’ પર ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યું કે બંનેની પહેલી મુલાકાત એક કૉમન ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં થઈ હતી. આ સમય દરમિયાન અર્ચનાએ બોલિવૂડ-ટેલીવૂડમાં પોતાનો પગ જમાવી લીધો હતો જ્યારે પરમીત ઈન્ડસ્ટ્રીમાં નવો હતો. અહીંથી તેમની વાતચીત શરૂ થઈ, પછી તેમની વચ્ચે મિત્રતા અને ધીમે ધીમે પ્રેમ વધ્યો. ત્યારે અર્ચનાએ છૂટાછેડા લીધા હતા. તે જ સમયે, તે પરમીત કરતાં સાત વર્ષ મોટી હતી. આવી સ્થિતિમાં પરમીતનો પરિવાર આ સંબંધથી ખુશ નહોતો અને તેના માતા-પિતાએ લગ્ન માટે ના પાડી દીધી હતી.


પરંતુ પરમીત માનતો ન હતો અને બંનેએ ભાગીને લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. રાત્રે 11 વાગે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 12 વાગે બંને પંડિત પાસે પહોંચ્યા. પરંતુ પંડિતે તેને ના પાડી અને કહ્યું કે આ રીતે લગ્ન નથી થતા. પહેલા શુભ સમય આવશે અને પછી થશે. પછી તે જ રાત્રે બંનેએ પૈસા આપી દીધા અને બીજા દિવસે સવારે 11 વાગે લગ્ન કરી લીધા. બંનેએ 30 જૂન 1992ના રોજ લગ્ન કર્યા હતા.


લગ્નના ચાર વર્ષ સુધી બંનેએ આ વાત દુનિયાથી છુપાવીને રાખી. અર્ચનાએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગ્નના ઘણા વર્ષો પછી જ્યારે હું મારા જૂના જ્યોતિષને અમારા બંનેની કુંડળી બતાવવા ગઈ તો તેઓ કુંડળી જોઈને ચોંકી ગયા. કુંડળી જોયા પછી જ્યોતિષીએ એક જ પ્રશ્ન પૂછ્યો કે આ સંબંધ કેવી રીતે ચાલે છે? જો મને આ કુંડળીઓ પહેલા મળી હોત, તો મેં સ્પષ્ટપણે ના પાડી દીધી હોત. પણ પ્રેમ ગ્રહોને પણ ખોટા પાડી દે છે તેમ અર્ચના-પરમીત હજુ સાથે છે અને તેમના સુખી લગ્નજીવનની રીલ્સ અર્ચના ઘણી વાર સોશિયલ મીડિયામા શેર કરે છે.
પરમીતને તેના જન્મદિવસી શુભકામના

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button