પંકજ ઉધાસની પહેલી કમાણી માત્ર 51 રૂપિયા હતી અને આજે છે…
મુંબઈ: બૉલીવૂડના લેજન્ડ્રી ગાયક પંકજ ઉધાસ (Pankaj Udhas)નું 72 વર્ષે લાંબી માંદગી બાદ મુંબઈમાં નિધન થયું હતું. ‘ચિઠ્ઠી આઈ હૈ… આઈ હૈ’ તેમ જ ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા… સોને જૈસે બાલ’ જેવા પંકજ ઉધાસના અનેક સુપર હીટ ગીતો આજે પણ આજની નવી પેઢી ગાય છે અને સાંભળે પણ છે. જોકે હવે આ ગીતો ગાનાર ગાયકનું નિધન થતાં બૉલીવૂડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, પણ તમને ખબર છે કે બૉલીવૂડના આ દિગજ્જ સિંગર પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે.
પંકજ ઉધાસના પરિવારમાં તેમની પત્ની ફરિદા ઉધાસ અને બે દીકરી નાયાબ અને રીવા ઉધાસ છે. પોતાના ગીતથી લોકોને દિવાના બનાવતા પંકજ ઉદાસ પાસે લગભગ 25 કરોડ રૂપિયા કરતાં વધુની સંપતિ છે અને આ બધુ તેમણે ફિલ્મ, ઈવેન્ટ્સ અને યુટ્યૂબ વડે કમાણી કરી હોવાનો દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યો છે.
મૂળ ગુજરાતમાં જન્મેલા પણ મુંબઈમાં આવીને વસેલા પંકજ ઉધાસ પાસે મુંબઈના પેડર રોડ પર હિલસાઈડ નામનો એક આલિશાન બંગલો છે. તેમનો આ બંગલો ત્રણ માળનો છે. આ સાથે તેમની પાસે ઑડી, મર્સિડિઝ જેવી અનેક મોંધી અને લક્ઝરી કાર્સનું કલેક્શન પણ છે. જોકે આ લેજન્ડ ગાયકની પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોવા છતાં તેમની પહેલી કમાણી માત્ર 51 રૂપિયા હતી એવો તેમણે ખુલાસો કર્યો હતો.
પંકજ ઉધાસના નિધન બાદ તેમનો એક ઇન્ટરવ્યૂ વાઇરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ગીત ગાવાની શરૂઆત તેમણે ભારત અને ચીન વચ્ચેની લડાઈ વખતે તેમના ભાઈ સાથે કરી હતી.
આ દરમિયાન તેમણે એક કાર્યક્રમમાં ‘એ મેરે વતન કે લોગો’ આ ગીત ગાયું હતું. આ ગીતથી લોકો તેમના ફેન બની ગયા હતા અને લોકોએ પંકજ ઉધાસને 51 રૂપિયા ઈનામ તરીકે પણ આપ્યા હતા. આ તેમની પહેલી કમાણી હતી. આ પછી તેમણે બૉલીવૂડમાં અનેક ગીતો ગાઈને દરેક પ્રકારની સિદ્ધિ હાંસલ કરી હતી.