સ્વર્ગસ્થ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના પત્ની મધુરા જસરાજનું 86 વર્ષની વયે અવસાન
મુંબઈ: મનોરંજન જગતમાંથી આજે દુઃખદ સમાચાર મળ્યા છે. સ્વર્ગસ્થ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના પત્ની મધુરા પંડિત જસરાજ (Madhura Jasraj)નું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મધુરા જસરાજની તબિયત નાજુક હતી. તેમણે મુંબઈના વર્સોવા સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. મધુરા ફિલ્મ નિર્માતા, લેખક અને સંગીત પ્રેમી હતાં.
મધુરા જસરાજના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી છે. ચાહકોએ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તેમના પરિવારમાં પુત્ર શરંગ દેવ અને પુત્રી દુર્ગા જસરાજ ઉપરાંત પૌત્રો પણ છે. મધુરા ફિલ્મ નિર્માતા ડૉ. વી. શાંતારામની પુત્રી હતાં.
કલા જગતમાં તેમનું યોગદાન:
મધુરા પંડિત જસરાજે બે ફિલ્મો બનાવી હતી. ઘણી ડોક્યુમેન્ટ્રીઓનું નિર્દેશન કર્યું અને શાસ્ત્રીય સંગીતને લગતા અનેક મ્યુઝિક આલ્બમ્સમાં યોગદાન આપ્યું. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી શાંતારામની પુત્રી મધુરાના લગ્ન 1962માં પંડિત જસરાજ સાથે થયા હતા. બંનેની મુલાકાત 1954માં એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં થઈ હતી. પંડિત જસરાજનું ઓગસ્ટ 2020 માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.
મધુરા પંડિતે પતિ પંડિત જસરાજ સાથે ઘણી ડોક્યુમેન્ટ્રી અને નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. આટલું જ નહીં, મધુરાએ તેના પિતા વી શાંતારામ અને પતિ પંડિત જસરાજના જીવન પર પણ એક ડોક્યુમેન્ટરી બનાવી છે અને પુસ્તક પણ લખ્યું છે.
તેમણે મરાઠી ફીચર ફિલ્મ ‘આઈ તુજા આશીર્વાદ’ પણ ડિરેક્ટ કરી છે. આ સિવાય તેમણે અનેક મ્યુઝિક આલ્બમ દ્વારા પોતાની સંગીત જગતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મધુરાએ ઘણા પુસ્તકો પણ લખ્યા છે.