Panchayat season 4 review: ફુલેરા ગામની પંચાયતનું શરીર ખરું, પણ આત્મા ખોવાઈ ગયો

જ્યારે પણ નિર્દેશક પાસે દમદાર સ્ટોરી ન હોય ત્યારે બધું જ ફીક્કુ પડી જાય છે. માત્ર પાત્રો અને બે-ચાર ઘટનાઓ ઊભી કરી વાર્તા નથી બનતી, તેની માટે ઘટનાઓની હારમાળા, પાત્રોનું સંદર આલેખન અને વાર્તા કહેવાની રસપ્રદ શૈલી સહિતની ઘણી બાબતો કામ કરી જાય છે. લવ ટ્રાયેગલ હોય, સસ્પેન્સ હોય, મર્ડર મિસ્ટ્રી હોય કે પછી કોઈ રોમકોમ હોય, બધી જ ફિલ્મો કે સિરિઝ હીટ નથી થતી કારણ કે તેમાં ઘણું મિસિંગ હોય છે.
પંચાયત સિઝન-4 સાથે પણ આવું જ કંઈક થયું છે. ટીવીએફની ખૂબ જ સેલિબ્રેટેડ કહી શકાય તેવી સિરિઝ આમ તો ત્રીજી સિઝનમાં જ લથડીયા ખાતી હતી, પરંતુ ચોથીમાં તો લગભગ જમીન પર પટકાઈ ગઈ હોવાના રિવ્યુઝ મળી રહ્યા છે.
સ્ટોરીને ખોટી રીતે ખેંચવાનું પડ્યું ભારે
ચંદન કુમારે લખેલી સ્ટોરીનું ફોક્સ પંચાયત ચૂંટણી પર છે. નીના ગુપ્તા મંજૂ દેવી અને તેમનાં પતિ પ્રધાન જી (રઘુવીર યાદવ) અને બીજી બાજુ ક્રાંતિદેવી અને તેમના પતિ ભૂષણ (દુર્ગેશ કુમાર) વચ્ચે જંગ જામે છે.
સચિવજી (જીતેન્દ્ર કુમાર) તેમાં ફસાય છે. એક બાજુ આઈઆઈએમનું એડિમશન, રિંકી સાથેનો સંબંધ અને ગામ પ્રત્યેનો લગાવ. આમ જોઈએ તો બધુ જ છે, પણ તેને લોકો સામે લાવવા માટે જે પ્લોટ જોઈએ તેની કમી છે. વાર્તા જાણે જેમતેમ કરીને ખેંચી નાખી હોય તેમ લાગે છે.
નિર્દેશન નબળું પડ્યું
વાર્તા નબળી એટલે નિર્દેશન પણ નબળું પડ્યું. નાના ગામની ચૂંટણીનો જે માહોલ જામવો જોઈએ તે જામતો નથી. સિઝન-1 અને 2માં ગામડાના જીવનની જે સાદગી અને રંગત બતાવ્યા હતા, દરેક સિન્સનું ડિટેઈલિંગ થયું હતું તે ગાયબ છે. પાત્રો સાથે દર્શકોનું જે ઈમોશનલ કનેક્શન બન્યું છે તે જળવાતું નથી. દરેક કલાકારને જે સ્પેસ મળવી હોય તે મળી નથી. ટૂંકમાં જોઈને જલસો પડી જાય તેવું ઘણું જ મિસિંગ લાગે છે.
પાત્રોએ રાખ્યો રંગ પણ…
પંચાયત સિઝન-1થી તેનું કાસ્ટિંગ વખાણાઈ રહ્યું છે. ગામડાના સરપંચ, સરપંચ પતિ, સરપંચની ભણેલી જુવાન દીકરી, પંચાયતના કર્મચારીઓ, પંચાત કરનારા ગ્રામજનો બધુ જ જાણે તમે ફુલેરાના લોકોને ઓળખતા હોવ તે રીતે આબેહૂબ પાત્રો ઊભાં કરવામાં આવ્યા હતા. બિનોદ અને દુર્ગેશના મીમ્સે ધૂમ મચાવી હતી.
આ સિઝનમાં પણ લગભગ તમામ પાત્રોએ પોતાની ભૂમિકાને ન્યાય આપવાની કોશિશ કરી છે, પણ અમુકને સ્પેસ નથી મળી તો અમુક પાસે એવા ડાયલૉગ્સ કે સિચ્યુઅશન નથી કે કંઈક સ્પેશિયલ આપી શકે.
સરવાળે હવે પંચાયતને તાળું લગાવવાનો સમય આવી ગયો છે. ટીવીએફની આ સિરિઝે ગામડાની પાશ્ચભૂમિ લઈ સિરિઝ બનાવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેના બાદ દુપહિયા અને ગ્રામ ચિકિત્સાલય નામની બે સિરિઝ પણ બની ગઈ, પણ પંચાયત સિરિઝમાં કા તો કંઈક નવું ઉમેરવાની જરૂર છે ને કાં પછી આ પંચાયતને બરખાસ્ત કરવાની જરૂર છે, તેમ સિઝન-4 જોઈને લાગી રહ્યું છે.
આપનો મત શું છે તે અમને કૉમેન્ટ બૉક્સમાં ચોક્કસ જણાવજો.