મનોરંજન જગતના સૌથી મોટા એવોર્ડ ગણાતા ઓસ્કર એવોર્ડના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 96મા ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
સમારોહમાં ‘ઓપનહાઇમરે’ શ્રેષ્ઠ ફિલ્મ સહિત કુલ સાત પુરસ્કારો જીત્યા હતા. કિલિયન મર્ફી સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યા છે અને ક્રિસ્ટોફર નોલાન શ્રેષ્ઠ દિગ્દર્શક બન્યા છે. રોબર્ટ ડાઉની જુનિયરને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ તેમની કારકિર્દીનો પ્રથમ ઓસ્કાર છે. ક્રિસ્ટોફર નોલાનને ગયે મહિને બાફ્ટામાં બેસ્ટ ડિરેક્ટર અને જાન્યુારી મહિનામાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો.
આ વર્ષે ઓસ્કરમાં ‘ઓપનહેઇમર’ નું પ્રભુત્વ રહ્યું હતું. આ ફિલ્મને કુલ 13 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી અને તેણે 7 એવોર્ડ જીત્યા છે. ‘ઓપનહાઇમરે’ બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ ઓરિજિનલ સ્કોર, અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી કેટેગરીમાં પણ પુરસ્કારો જીત્યા છે.
ફિલ્મ ‘પુઅર થિંગ્સે’ ચાર કેટેગરીમાં ઓસ્કર જીત્યા હતા. ફિલ્મની મુખ્ય અભિનેત્રી એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. એમ્માનો આ બીજો ઓસ્કાર એવોર્ડ છે. અગાઉ 2016માં તેણે ફિલ્મ ‘લા લા લેન્ડ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. બેસ્ટ એક્ટ્રેસ ઉપરાંત, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન, પ્રોડક્શન ડિઝાઈન અને મેકઅપ અને હેરસ્ટાઈલિંગ કેટેગરીમાં પણપુઅર થિંગ્સને ઓસ્કાર મળ્યો હતો.
ફિલ્મ બાર્બીના ગીત ‘વ્હોટ વોઝ આઇ મેડ ફોર’ સોંગ માટે બિલી ઇલિશ અને ફિનીઆસ ઓ’કોનેલને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એકમાત્ર ઓસ્કાર મળ્યો હતો. ફિલ્મને આઠ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી.
ડા’વિન જોય રેન્ડોલ્ફને’ ધ હોલ્ડવર્સ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ વોર ઈઝ ઓવરને મળ્યો હતો.
ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતીય કલા નિર્દેશક નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેણે 2 ઓગસ્ટ, 2023ના રોજ કર્જત (મહારાષ્ટ્ર)માં પોતાના સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી હતી. નીતિને લગાન અને હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા.