ફરી સાબિત થયું સ્ટોરી જ ફિલ્મનો રિયલ હીરોઃ તેજસને ફેલ કરી 12મી ફેલ થઈ પાસ
ફિલ્મનો રિયલ હીરો તેની વાર્તા અને વાર્તા કહેવાની રીત હોય છે. તે બાદ આવે છે સ્ટાર કાસ્ટ અને તેનો અભિનય. આ અઠવાડિયે રીલિઝ થયેલી બે ફિલ્મોના પરફોર્મન્સે આ વાત ફરી સાબિત કરી છે.
કંગના રનૌતને ચમકાવતી તેજસ અને વિક્રાંત મેસ્સીને ચમકાવતી 12મી ફેલની રેસમાં વિક્રાંતની ફિલ્મ આગળ નીકળી ગઈ છે. મેસ્સીની ફિલ્મે છ દિવસમાં લગભગ રૂ. 11 કરોડનો બિઝનેસ કર્યો છે જ્યારે લગભગ રૂ. 60 કરોડના ખર્ચે બનેલી તેજસે રૂ. 45 લાખ પણ માંડ કમાયાના અહેવાલો મળી રહ્યા છે. મેસ્સીની ફિલ્મ હિન્દી અને કન્નડમાં રીલિઝ થઈ હતી.
ફિલ્મની સફળતા જોતા તેને આવતીકાલે તમિલ અને તેલુગુમાં પણ રિલિઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં યુપીએસસી પરિક્ષા પાસ કરવા મથતા ગરીબ છોકરાની વાત છે. ફિલ્મ સાચી કહાની પર આધારિત છે. મેસ્સીનો અભિનય આ ફિલ્મને ચાર ચાંદ લગાવે છે. જ્યારે કંગનાના અભિનયના ખૂબ વખાણ થયા છે, પરંતુ બીજા પાસાંઓ નબળા હોવાથી ફિલ્મ પટકાઈ છે, તેમ ફિલ્મી પંડિતોનું કહેવાનું છે.