વર્ષના પહેલા દિવસે સારા અલી ખાન કોની સાથે ગઈ હતી ડિનર પર?

મુંબઈઃ જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હંમેશાં તેના પરિવાર માટે સમય કાઢે છે. નવા વર્ષે પણ તેણે કંઈક હટકે કર્યું હતું અને એને કારણે ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની માતા અમૃતા સિંહ સાથેની નવા વર્ષના પ્રથમ દિવસની કેટલીક હૃદયસ્પર્શી સેલ્ફી શેર કરી હતી. સારાએ સુંદર ગ્રીન અને બ્લેક પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો અને તેના વાળ બાંધેલા હતા અને તેણે નાની બુટ્ટી પહેરી હતી. તેની માતા અમૃતા ડિનર માટે નો-મેકઅપ લુકમાં મલ્ટીકલર શર્ટમાં સુંદર દેખાતી હતી.

સારાએ કેપ્શનમાં લખ્યું હતું કે મમ્મી સાથે વર્ષનું પહેલું ડિનર.’ આ પહેલીવાર નથી જ્યારે ‘મર્ડર મુબારક’ અભિનેત્રી તેની માતા સાથે અવારનવાર તસવીરો શેર કરતી હોય છે. સારા ઘણીવાર ચાહકોને તેના પારિવારિક જીવનની ઝલક આપે છે. સારા અલી ખાનનો ઉછેર સિંગલ પેરન્ટ પરિવારમાં થયો છે. તે ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતા અમૃતા સિંહ અને સૈફ અલી ખાને છૂટાછેડા લીધા હતા.
આ પણ વાંચો: સારા અલી ખાન ‘સિંગલ મધર’ અંગે શું કહે છે?
સારાએ પોતાની ફિલ્મ ‘એ વતન મેરે વતન’ના પ્રમોશન દરમિયાન પોતાનું બાળપણ યાદ કર્યું અને તેની માતા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેની માતા તેના મિત્રોની માતાથી ઘણી અલગ હતી. જોકે તેને શરૂઆતમાં કંઈક ખૂટતું હોવાનું લાગતું હતું, પરંતુ તેને પછીથી સમજાયું હતું કે એ બાબત પણ આશીર્વાદસમાન છે.

એકવાર સારા અલી ખાને કબૂલ્યું હતું કે તેની માતાને જમવાનું કે કાર ચલાવવાનું આવડતું નહોતું, જેને તે પોતાના જીવનની એક ઉણપ માનતી હતી, પરંતુ એક દિવસ તેની માતાએ તેને કહ્યું, ‘તારા કેટલા મિત્રોની માતા અભિનય કરતા કે ઘોડેસવારી જાણે છે જે હું જાણું છું? સારાની આ ટિપ્પણી પર હસી પડી અને તેણે ફરી પછી ક્યારેય કોઈ ફરિયાદ કરી નહોતી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સારા આગામી સમયમાં અક્ષય કુમાર, નિમ્રત કૌર અને વીર પહાડિયા સાથે ‘સ્કાય ફોર્સ’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન, અમર કૌશિક અને જ્યોતિ દેશપાંડેએ કર્યું છે. તે ભારતના ઈતિહાસના ઓછા જાણીતા પ્રકરણને દર્શાવશે અને ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.