મારા પાર્ટનર અને ફેમિલી વિશે બકવાસ… પર્સનલ સવાલો પૂછાતાં જ અભિનેત્રી ભડકી!

બોલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ તેની બોલ્ડ ચોઇસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. 37 વર્ષની ઉંમરે તેણે પ્રેગનન્સીની જાહેરાત કરીને સૌકોઇને ચોંકાવી દીધા હતા. એ પછી બાળકના પિતા અંગે તેણે રહસ્ય જાળવી રાખ્યું, હવે પુત્રના જન્મ બાદ તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે પર્સનલ લાઇફની ચર્ચા થાય તે તેને પસંદ નથી.
જ્યારથી ઇલિયાનાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી તેના પાર્ટનર વિશે ચર્ચાઓ થઈ રહી છે. ઇલિયાના તેના પાર્ટનર માઇકલ અને પુત્ર કોઆ સાથે અમેરિકામાં રહે છે. તેણે 1 ઓગસ્ટ 2023ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. હાલમાં અફવા ચાલી રહી છે કે તેણે તેના પાર્ટનર સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે. આ વાતનો જવાબ આપતા તેણે કહ્યું હતું કે જ્યારે લોકો પીઠ પાછળ વાતો કરે છે ત્યારે તેને તે પસંદ નથી. તે પોતાના વિશે કહેવાતી બાબતોને હેન્ડલ કરી શકે છે પરંતુ તેના પાર્ટનર અને પરિવાર વિશે વાહિયાત વાતો કરવામાં તે કમ્ફર્ટેબલ નથી, એવું ઇલિયાનાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ઇન્ટરવ્યુમાં પોતે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી પીડાઇ રહી હોવાનું તેણે સ્વીકાર્યું હતું. તેણે કહ્યું હતું કે ડિલિવરી બાદ ડિપ્રેશન આવવું એ સાચી ઘટના છે અને કોઇ તમને તે માટે તૈયાર કરતું નથી. હું ભાગ્યશાળી છું કે, મારી પાસે ઘરે સપોર્ટ સિસ્ટમ છે અને ડોકટરોની ટીમ છે જે મારી ખાસ કાળજી લે છે. મહત્વનું છે કે, ઇલિયાના સોશિયલ મીડિયા પર મધરહુડને વિશે વાત કરતી રહે છે પરંતુ તે તેના પાર્ટનર વિશે વધુ શેર કંઇ કરતી નથી.