મનોરંજન

બોલીવુડમાં નવો વિવાદ: સોનુ નિગમે એ.આર રહેમાનના આ ગીતને કહી દીધું ‘બકવાસ’

પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાનને બોલીવુડ સંગીતના ભગવાન કહેવામાં આવે છે. ફક્ત બોલીવુડ જ નહિ, તેઓ એવા ઘણા ઓછા સંગીતકારોમાંથી છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હોય. તો બીજી બાજુ સિંગર સોનુ નિગમ પણ ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે ઘણા હિટ ગીતો આપ્યા છે. સોનુ નિગમ અને એઆર રહેમાનની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. તમને અક્ષય કુમારની ફિલ્મ બ્લુ તો યાદ જ હશે. આ ફિલ્મનું ગીત Chiggy Wiggy ખૂબ ફેમસ થયું હતું. આ ગીત સોનુ નિગમે ગાયું હતું, જેનું સંગીત એ.આર રહેમાને આપ્યું હતું. તે સમયે આ ગીત લોકપ્રિય પણ થયું હતું. પરંતુ હવે સોનુ નિગમે આ ગીતને સાવ બકવાસ ગણાવ્યું છે અને મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં નવો વિવાદ ઉભો કરી દીધો છે.

હાલમાં જ સોનુ નિગમે એક એફએમ સ્ટેશનને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે આ ગીતની આકરી ટીકા કરી હતી. તેણે કહ્યું કે Chiggy Wiggy ગીત ખૂબ ખરાબ રીતે બનાવવામાં આવ્યું હતું અને તેના માટે કાઈલી મિનોગ જેવી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીની પસંદગી કરવી તે તેના માટે આશ્ચર્યજનક હતું. સોનુના કહેવા પ્રમાણે, જો તેઓ કાઈલી સાથે ગીત બનાવી રહ્યા હોય તો તેઓ હજુ કંઈક સારું કરી શક્યા હોત.

જો કે પછી શબ્દો ફેરવી તેણે વાતને સંભાળી હતી અને આગળ કહ્યું હતું કે, “રહેમાને આ ટ્રેક માટે મને પસંદ કર્યો તેની હું પ્રશંસા કરું છું. તેમ છતાં જ્યારે તમારી પાસે કાઈલી મિનોગ જેવી ઈન્ટરનેશનલ સેલિબ્રિટી છે તો ગીતો પણ ઈન્ટરનેશનલ લેવલના હોવા જોઈએ.” એઆર રહેમાન જેવા પ્રતિભાશાળી લોકો પણ ક્યારેક ભૂલો કરે છે તેવું નિવેદન તેણે આપ્યું. હજુસુધી આ મામલે રહેમાન તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button