વર્ષોથી ઈરાનની જેલમાં છે નરગીસ મોહમ્મદી, માતાની જગ્યાએ બાળકો લેશે નોબેલ પુરસ્કાર
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીના જોડિયા બાળકો કિયાના રહેમાન અને અલી કહે છે કે તેમને તેમની માતા પર ગર્વ છે અને તેઓ તેમની લડાઈ ચાલુ રાખશે. બાળકોએ કહ્યું કે તેઓ જાણતા નથી કે તેઓ તેમની માતાને ફરી ક્યારેય મળશે કે નહીં પરંતુ તે હંમેશા તેમના હૃદયમાં રહેશે. નરગીસના જોડિયા બાળકો લી અને કિયાના રહેમાન 17 વર્ષના છે. નરગીસના બંને બાળકો તેમના પિતા સાથે પેરિસમાં રહે છે. નરગીસના બંને બાળકો ઓસ્લો સિટી હોલમાં તેમની માતા વતી એવોર્ડ મેળવશે. આ પહેલા તેમણે મીડિયાને કહ્યું હતું કે તેની માતા મહિલાઓના અધિકારો માટે લડી રહી છે, તેથી તેમને તેમની માતા પર ગર્વ છે. બંને બાળકો તેમની માતા વતી નોબેલ શાંતિ પુરસ્કારનું ભાષણ પણ આપશે.
નરગીસની પુત્રી કિયાના રહેમાન જણાવે છે કે તેણે તેની માતાને આઠ વર્ષ પહેલા જોઇ હતી અને તેને ખબર નથી કે તે ફરી તેની માતાને જોવા પામશે કે નહીં, પણ તેને કંઇ ફરક નથી પડતો કારણ કે તેની માતા હંમેશા તેના હૃદયમાં અને તેના પરિવાર સાથે છે. તેને તેની માતા પર ગર્વ છે અને તેઓ માતાનો સંઘર્ષ ચાલુ રાખશે.
નરગીસ મોહમ્મદીના પતિ તાગી રહેમાનીએ કહ્યું હતું કે, ‘આ એવોર્ડ નરગીસનો અવાજ બુલંદ કરશે. તેના સંજોગો પ્રતિકૂળ છે એ હું જાણું છું, પણ તે બહાદુર છે અને તેનો જંગ જારી રાખશે.’
આશરે બે મહિના પહેલા જ નરગીસ મોહમ્મદીને તેમના વર્ષો જૂના અભિયાન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નરગીસ મોહમ્મદી હિજાબને ફરજિયાત બનાવવાના ઇરાન સરકારના નિર્ણય વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. તેની સામે વાંધો વ્યક્ત કરતાં ઈરાન સરકારે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધી છે. નરગીસ હૃદય અને ફેફસાની સમસ્યાથી પીડાઈ રહી છે, જેના કારણે તે અને તેના વકીલ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ થવાની માંગ કરી રહ્યા છે, પણ ઈરાન જેલ પ્રશાસને તેને માત્ર એટલા માટે હોસ્પિટલમાં લઈ જવાની ના પાડી દીધી કારણ કે તેણે હિજાબ પહેર્યો ન હતો. ભૂખ હડતાળ પર બેઠેલી નરગીસ જેલમાં માત્ર પાણી, ખાંડ અને મીઠું લઈ રહી છે, તેણે દવા લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પરિવારનું કહેવું છે કે જો નરગીસને જેલમાં કંઈ થશે તો તેના માટે ઈસ્લામિક રાષ્ટ્ર જવાબદાર રહેશે.
નરગીસ મોહમ્મદી માનવાધિકાર કાર્યકર્તા છે, તેમના પતિ તાગી રહેમાની પણ એક સામાજિક કાર્યકર છે. તેઓ ઘણી વખત જેલ પણ જઈ ચુક્યા છે. નરગીસ મોહમ્મદી છેલ્લા 30 વર્ષથી લોકોના હિત માટે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. આ જ કારણ છે કે તેને ઘણી વખત ધરપકડનો સામનો કરવો પડ્યો હતો. ઇરાન સરકારના વિરોધના કારણે તેને 154 કોરડા મારવાની સજા પણ ફટકારવામાં આવી છે. તેની સામે અન્ય કેસ પેન્ડિંગ છે.
દરમિયાન નોર્વેની નોબેલ કમિટીએ નરગીસ મોહમ્મદીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતિના વડા બેરીટ રીસ એન્ડરસનનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ થવા માટે મહિલા કેદીઓ માટે હિજાબ પહેરવાનું ફરજિયાત બનાવવું એ અમાનવીય અને નૈતિક રીતે અસ્વીકાર્ય છે.
નરગીસ મોહમ્મદી નોબેલ એવોર્ડ જીતનારી 19મી મહિલા છે, જેની કિંમત આજે લગભગ 1 મિલિયન ડોલર છે. કસ્ટડીમાં રહીને એવોર્ડ જીતનાર નરગીસ પાંચમી વ્યક્તિ છે. નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીડિશ ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિએ 10 ડિસેમ્બરે એનાયત કરવામાં આવે છે.