નેશનલમનોરંજન

એક્ટિંગમાંથી બ્રેક લઇને આ કામ કરવા પહોંચી ગયા હતા અભિનેતા….

આપણે ઘણા સેલેબ્સ વિશે સાંભળ્યું છે કે તેઓ દેશની રક્ષા કરતા જવાનોના મનોરંજન માટે સરહદ પર ગયા છે અને તેમને મળ્યા છે અને તેમને માટે પ્રોગ્રામ પણ કર્યા છે. ઘણા એક્ટરોએ ફિલ્મમાં જવાનની ભૂમિકા નિભાવી છે અને રીલ લાઇફમાં દુશ્મનોની ટક્કર પણ ઝીલી છે. પણ આજે આપણે એવા કલાકાર વિશે વાત કરીશું જેઓ વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે અને જેઓએ રિઅલ લાઇફમાં પાકિસ્તાન સામેની લડાઇમાં ભાગ લીધો છે.

અભિનેતા નાના પાટેકર 46 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેમણે અત્યાર સુધી ઘણા યાદગાર અને શક્તિશાળી પાત્રો ભજવ્યા છે. બહુ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે નાના પાટેકર ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. એટલું જ નહીં, તેઓએ કારગિલ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. વર્ષો પછી નાના પાટેકરે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

કારગિલ યુદ્ધ દરમિયાન નાના પાટેકરે થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. આ પછી તેઓ લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં જોડાયા હતા. નાના પાટેકરે એક ઈન્ટરવ્યુમાં 1991માં થયેલા કારગિલ યુદ્ધની એક નાની વાર્તા શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે – તે સમયે ફર્નાન્ડિસ સાહેબ સંરક્ષણ પ્રધાન હતા. હું યુદ્ધમાં જવા માંગતો હતો. મેં કમાન્ડો કોર્સ પૂરો કર્યો હતો. હું એક સારો શૂટર છું. હું નેશનલ લેવલ પર રમી ચૂક્યો છું. મને મેડલ પણ મળ્યો છે.

‘કારગીલ યુદ્ધ વખતે મેં સેનાને ફોન જોડ્યો અને તેમને કહ્યું કે મારે પણ યુદ્ધમાં ભાગ લેવો છે. મને જણાવવામાં આવ્યું કે હું એક સામાન્ય નાગરિક હોવાથી યુદ્ધમાં ભાગ ના લઇ શકું. જોકે, સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મારી સારી ઓળખ હતી. તેમની ઓળખાણને કારણે મને તક મળી અને હું પણ મારી સેવા આપવા પહોંચી ગયો કારગીલ યુદ્ધમાં. હું ક્વિક રિએક્શન ટીમનો સભ્ય બની ગયો. દેશ માટે હું એટલું તો કરી જ શકતો હતો. આપણું સૌથી મોટું હથિયાર બોફોર્સ કે AK 47 નથી પણ આપણા સૈનિકો છે,’ એમ નાના પાટેકરે જણાવ્યું હતું.

નાના પાટેકરે આગળ કહ્યું, ‘જ્યારે હું યુદ્ધમાં ગયો ત્યારે મારું વજન  76 કિલો હતું. જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારું વજન 56 કિલો થઇ ગયું હતું. બે મહિનામાં હાડકાં અને પાંસળીઓ એક થઇ ગઇ હતી, પણ સાચું કહું તો દેશ માટે આટલું કરીને મને ખૂબ આનંદ થયો. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે અજીત ડોભાલ તેમના માટે ભાઈ સમાન છે. તેમને મિત્ર કહેવું ખોટું છે. અજીત ડોભાલ સાથેનો તેમનો સંબંધ ખૂબ જ ખાસ અને અનોખો છે.
 
નાના પાટેકરે પોતાના જીવની પરવા કર્યા વિના દેશ માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને તેમાં તેઓ સફળ પણ થયા. એટલા માટે નાના પાટેકર બધાના ફેવરિટ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button