મિ. પરફેક્શનિસ્ટ તો નિકળો કૉપીકેટ! આમિર ખાનની એક ડઝન ફિલ્મો છે હોલીવૂડની કૉપી

ક્યામત સે કયામત તક ફિલ્મમાં ચોકલેટી હીરો તરીકે ચમકીને રાતોરાત સ્ટાર થઈ ગયેલા અભિનેતા આમિર ખાને પછીથી ફિલ્મોના મેકિંગમાં પણ રસ લઈ પોતાની એક અલગ ઈમેજ બનાવી અને ઘણી સારી ફિલ્મો ફિલ્મજગતને આપી અને વાહવાહી મેળવી. પોતે ફિલ્મો મામલે બહુ વિચારે છે અને વર્ષની એક જ ફિલ્મ કરે છે તેમ કહી મિ. પરફેક્શિનસ્ટ તરીકે તેણે પોતાની છાપ ઊભી કરી. પરંતુ તાજેતરમાં તેની ફિલ્મ સિતારે ઝમીન પરનું ટ્રેલર લૉંચ થયું અને આમિર બરાબરનો ટ્રોલ થયો છે. આમિરે હોલીવૂડ ફિલ્મ ચેમ્પિયન્સની બેઠી કૉપી કરી છે અને આ ચેમ્પિયન્સ પાછી આ નામની સ્પેનિશ ફિલ્મનું ઓફિશિયલ અડોપ્શન છે. આમિરે આવી કોઈ સ્પષ્ટતા ફિલ્મ બાબતે કરી નથી, ત્યારે લોકો હવે તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે માત્ર આ એક જ નહીં આમિરની એક ડઝન ફિલ્મો એવી છે જે અન્ય ફિલ્મો કે પુસ્તકો પર આધારિત છે, પરંતુ અભિનેતાએ ક્રેડિટ આખેઆખો પોતે લઈ લીધો છે. તો આવો જોઈએ આ લાંબુ લિસ્ટ.

દિલ હૈ કી માનતા નહીં (૧૯૯૧) ઇટ હેપન્ડ વન નાઇટ (૧૯૩૪)
રાજ કપૂર અને નરગિસની એવરગ્રીન ફિલ્મ ચોરીચોરી યાદ છે. ઘરેથી ભાગી ગયેલી અમિર બાપની બગડેલી છોકરી રિપોર્ટરના પ્રેમમા પડે અને પછી આખો ખેલ રચાય. આવી જ ફિલ્મ આવી પૂજા ભટ્ટ અને આમિર ખાનની દિલ હૈ કી માનતા નહીં. ક્લાસિક સૉંગ્સ અને મહેશ ભટ્ટના નિર્દેશન સાથે પૂજા, આમિર અને અનુપમ ખેરના અફલાતૂન અભિનયમાં બનેલી આ ફિલ્મ આજે પણ લોકોને જોવી ગમે છે. પણ તેની ઓરિજિનલ સ્ટોરી 1934ની હૉલીવૂડ ફિલ્મ ઇટ હેપન્ડ વન નાઇટની છે.

જો જીતા વહી સિકંદર (૧૯૯૨)-બ્રેકિંગ અવે (૧૯૭૯) માંથી કરવામાં આવી છે.
33 વર્ષ પહેલા આવેલી અને હાલમાં રિ-રિલિઝ થયેલી આમિરની આ ફિલ્મનો મેઈન આઈડિયા કૉલેજ સ્પોર્ટ્સ અને સાયકલિંગ રેસનો હતો જે હોલીવૂડની ફિલ્મ બ્રેકિંગ અવે (૧૯૭૯) પરથી બેઠેબેઠો ઉઠાવી લેવામાં આવ્યો હતો. જેમાં પારિવારિક સંબંધોનો ઈન્ડિયન ડોઝ ઉમેરવામાં આવ્યો હતો. ફિલ્મ સુપરહીટ.

મન (૧૯૯૯)- એન અફેર ટુ રિમેમ્બર (૧૯૫૭)
આમિર ખાન અને મનિષા કોઈરાલાની આ મુ્યઝિકલ હીટમાં એક અજાણ્યા યુવક-યુવતી ક્રુઝ પર મળે છે અને તે મુલાકાત પ્રેમમાં પલટાય છે. ફરી મળવાનો વાયદો કરે છે અને હેપી એન્ડિગ સાથે ફિલ્મ પૂરી થાય છે. આ ફિલ્મ એન અફેર ટુ રિમેમ્બરની લગભગ કૉપી છે.

અકેલે હમ અકેલે તુમ (૧૯૯૫)-ક્રેમર વર્સિસ ક્રેમર (૧૯૭૯)
અકેલે હમ અકેલે તુમને ક્રેમર વર્સિસ ક્રેમરનું માત્ર હિન્દી રૂપાંતર કહી શકાય. છૂટાછેડા બાદ બાળકની કસ્ટડી માટે પતિ-પત્નીનો સંઘર્ષ બતાવ્યો હતો. ફિલ્મ આમ પણ નબળી હતી. ગીતો લોકપ્રિય થાય હતા.

ગુલામ (૧૯૯૮)- ઓન ધ વોટરફ્રન્ટ (૧૯૫૪)
આતી ક્યા ખંડાલા ગીત અને આમિર રાનીના સારા અભિનયને લીધે હીટ ગયેલી આ ફિલ્મ પણ ઓન ધ વોટરફ્રન્ટ ઈન્સ્પાયર્ડ હતી. વિક્રમ ભટ્ટની આ ફિલ્મ પણ ઓરજીનલ તો ન જ કહી શકાય. હા તેમાં ફેરફારો કરી તેને ઈન્ડિયન ટચ આપવામાં તેઓ સફળ રહ્યા હતા.

ફના (2006)- આઇઝ ઓફ ધ નીડલ (૧૯૮૧)
એક અંધ યુવતી જે યુવકના પ્રેમમાં પડે છે જે જાસૂસ છે. કાજોલ અને આમિરની આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ હતી કારણ કે ફિલ્મની રિલિઝ પહેલા આમિરે નર્મદા બચાવો આંદોલન-મેધા પાટકરને સપોર્ટ કર્યો હતો. ગુજરાતમાં આ ફિલ્મ પર બેન હતો. આ ફિલ્મ આઇઝ ઓફ ધ નીડલની ઑલમોસ્ટ કૉપી હતી.

તારે જમીન પર (2007)- એવરી ચાઈલ્ડ ઈઝ સ્માર્ટ, હૉલમાર્ક્સ ફ્રંટ ઑફ ધ ક્લાસ
માત્ર આમિરની નહીં હિન્દી ફિલ્મજગતની અનેક સારી ફિલ્મોમાંની એક તારે ઝમીન પર પણ એક નહીં બે ત્રણ ફિલ્મોની કૉપી છે. સિતારે ઝમીન પર તેની સિક્વલ માનવામાં આવતી હતી, પરંતુ સિક્વલ નથી. તારે ઝમીન પર ફિલ્મ આમિર ખાને ડોક્યુમેન્ટરી અને ટેલિફિલ્મ્સમાંથી લીધી હતી. જોકે આ ફિલ્મ એકદમ કૉપી ન હતી, પરંતુ આમિરે કન્ટેટન્ટ માટે કોઈને ક્રેડિટ આપવાનું જરૂરી સમજ્યું ન હતું. આ સાથે આ ફિલ્મ આમિરે તેના મૂળ સર્જક પાસેથી પડાવી લીધી હોવાના આક્ષેપો પણ થાય છે.

ગજની (૨૦૦૮)- ક્રિસ્ટોફર નોલાનનો મેમેન્ટો (2000)
મેમેન્ટો ફિલ્મ પરથી તમિળ ફિલ્મ બની અને તમિળ ફિલ્મમાંથી આમિરની ગજની બની જે 100 કરોડ કમાનારી પહેલી ફિલ્મ બની.શોર્ટ ટર્મ મેમરી લૉસ અને બદલાની ભવાનાની આ થિમ મૂળ હોલીવૂડની ફિલ્મ મોમેન્ટોની છે, જેમાં એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડૉઝ નાખી આમિરે લોકોને પિરસી હતી.

૩ ઇડિયટ્સ (૨૦૦૯) ચેતન ભગતની નવલકથા ફાઈવ પોઈન્ટ સમવન
આ વિવાદ જગજાહેર છે અને ચેતન ભગતે આમિર ખાન પર આક્ષેપો પણ કર્યા છે. આ ફિલ્મ ચેતન ભગતના પુસ્તક પર આધારિત હતી, પરંતુ તેની સ્ક્રિપ્ટમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. લેખક અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે ક્રેડિટ અંગે પણ વિવાદ થયો હતો. આ ફિલ્મમાં ચેતન ભગતને ક્રેડિટ આપવામાં આવી ન હતી. આઈઆઈટીયન ચેતન ભગતે Five Point Someone-What not to do at IIT લખી હતી જે ખૂબ જ વેચાઈ-વંચાઈ હતી.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (૨૦૧૮)- કેપ્ટન જેક સ્પેરો (પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન)
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત હતી, પણ ફિલ્મ એકદમ કોપી હતી. એટલું જ નહીં ખુદ આમિરનું પાત્ર જેક સ્પેરોની બેઠી નકલ લાગતું હતું અને ફિલ્મની ટીકા પણ થી હતી. આ બિગ બજેટ ફિલ્મ ફ્લોપ નિવડી હતી.

લાલ સિંહ ચઢ્ઢા (૨૦૨૨)- ફોરેસ્ટ ગમ્પ
આ ફિલ્મ આમિરની કરિયરની લગભગ સૌથી ફ્લોપ ફિલ્મ હશે. જોકે ફિલ્મ હોલીવૂડની ફિલ્મની રિમેક હોવાનું પહેલેથી જ કહેવામાં આવ્યું હતું, પરંતુ આમિરની એક્ટિંગ પણ ફિલ્મને સફળ કરી શકી ન હતી.
એક દેશ કે રાજ્યની ફિલ્મો બીજા દેશ કે રાજ્યમાં બને તે મોટી વાત નથી, પરંતુ તમે ઓરિજિનલ કન્ટેન્ટ જ્યાંથી લીધું હોય તેને કોઈ ક્રેડિટ ન આપો, ફિલ્મ તેનું ઓફિશિયલ એડોપ્શન છે તેવી કોઈ જાહેરાત ન કરો અને તેને માત્ર કૉપી કરી લોકોને પોતાનું સર્જન કરી વેચો ત્યારે તમે કૉપીકેટ જ કહેવાશો અને આમિર સાથે આ થઈ રહ્યુ છે.