Phir aayi haseen Dillruba Review: ફિલ્મના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તમને જગ્યા પરથી હટવા નહીં દે
ફિલ્મની સિક્વલ જ્યારે આવે ત્યારે દર્શકો નિરાશ પણ થતા હોય છે, કારણ કે તેમની અપેક્ષાઓ પહેલા પાર્ટ કરતા વધી જતી હોય છે, પરંતુ ઘણી સુપરહીટ ફિલ્મ કે સિરિઝના સિક્વલ વાર્તાને આગળ નથી લઈ જતા અથવા પાત્રોમાં નવીનતા નથી બતાવતા, પણ ઓટીટી પર રજૂ થયેલી 2021ની હસીન દિલરૂબાની સિક્વલ ફિર આઈ હસીન દિલરૂબા…આ બાબતે અલગ તરી આવી છે અને ફિલ્મની વાર્તા વધારે રસપ્રદ રીતે આગળ લઈ જઈ રહી છે. ઘણા સમય પછી આવી સસ્પેન્સ થ્રીલર જોવા મળી છે અને ખરેખર છેલ્લે સુધી જકડી રાખે તેવી છે.
શું છે ફિલ્મની વાર્તા
વર્ષ 2021માં કોરોના સમયે આવેલી ઓટીટી રિલીઝ હસીન દિલરૂબા દિનેશ પંડિતના પુસ્તકો પરથી બનાવામાં આવી હોવાનું બતાવવામાં આવે છે. ફિલ્મની હીરોઈન રાની કશ્યપ (તાપસી પન્નુ) દિનેશ પંડિતની ફેન છે અને તેના પુસ્તકો વાંચે છે. ઘરે આવેલા દૂરના દિયર સાથે તેને પ્રેમ થાય છે, પરંતુ દિયર નીલ માત્ર પોતાની હવસ સંતોષતો હોવાનું અને પોતે પતિના પ્રેમને સમજી ન શકવાનું તેને સમજાય છે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. નીલ તેને બ્લેકમેલ કરે છે અને અંતમાં રાની અને પતિ રિશુ (વિક્રાંત મેસી) તેની હત્યા કરી ફરાર થઈ જાય છે અને રિશુ મરી ગયો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: આ કારણે લગ્નના 17 વર્ષ બાદ પણ Amitabh Bachchanએ Aishwarya Rai Bachchanને નથી સ્વીકારી વહુ તરીકે…
ફિર આઈ…ની વાર્તા અહીંથી શરૂ થાય છે જેમાં રાની અને રીશુને આગ્રામાં રહેતા બતાવવામાં આવ્યા છે. રાની જે ઘરમાં રહે છે ત્યાં રોજ આવતા એક કમ્પાઉન્ડર અભિમન્યુ (સની કૌશલ) રાની એકતરફી પ્રેમમાં પાગલ બને છે. આ ત્રીજું પાત્ર રાની અને રિશુને એક કરવા માટે નિમિત્ત બને છે અને ત્રણેય પોલીસ સામે જે પાંસા ફેંકે છે તે જોવાની મજા આવે છે. ફિલ્મ જરાક ધીમી પડે કે તરત નવો ટ્વીટ્સ આવી જાય છે અને ફરી તમારો શ્વાસ અધ્ધર થાય છે. છેલ્લે સુધી તમે જે વિચારો કે પ્રેડિક્ટ કરો તે પ્રમાણે થતું નથી.
કેવો છે અભિનય, વાર્તા ને નિર્દેશન
આ ફિલ્મની સિક્વલમાં ઈન્ટિમેટ સિન ઓછા છે અને નવા પાત્રોએ પણ જીવ રેડી દીધો છે. તાપસી અને વિક્રાંત અગાઉ કરતા વધારે ખિલ્યા છે. તેમની કેમેસ્ટ્રી ખૂબ જામે છે અને પ્રેમનો લાલ રંગ ઘેરો બનતો દેખાય છે. તેમને એક થતાં જોવાની ઈચ્છા દર્શકોને પણ થાય છે. ફિલ્મમાં સની કૌશલનું પાત્ર અભિમન્યુ તરીકે એક સરપ્રાઈઝ છે અને આ સરપ્રાઈઝ ઘણી પ્લીઝન્ટ છે. સનીએ અઘરું પાત્ર ભજવવાનું છે, પણ તે દરેક શેડમાં રંગમાં ભરી દે છે. આ ઉપરાંત મોન્ટુના રોલમાં જીમ્મી શેરગીલ, ભૂમિકા દુબે પણ સારી છાપ છોડી જાય છે.
આ પણ વાંચો: ‘હું પોતે શરમાઇ ગયો…’ધર્મેન્દ્ર-શબાના આઝમીના કિસીંગ સીન પર આવી હતી કરણ જોહરની પ્રતિક્રિયા
વાર્તા તો અગાઉ કહ્યું તેમ રસપ્રદ છે જ, સાથે સંવાદ પણ સારા છે. દિનેશ પંડિતના નામે દિવાલ પર લખાતી પંક્તિ અને તેમાં મુલાકાતનું સરનામું વગેરે ફિલ્મની વાર્તામાં ઉમેરો કરે છે. જયપ્રદ દેસાઈનું નિર્દેશન પણ ઘણું જ સારું છે. એકાદ બે જગ્યાએ રિપિટશન કે સ્લો સ્પીડને બાદ કરતા ફિલ્મનો મિજાજ પકડી રાખવામાં તે મોટે ભાગે સફળ રહ્યા છે.
ઓટીટી પર ફિલ્મ જોવાના શોખિનો માટે ફિલ્મ રિફ્રેશિંગ સાબિત થશે. અમને કૉમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કે તમને આ ફિલ્મ કેવી લાગી.