Umbarro review: ઘરનો નહીં મનનો ઉંબરો ઓળંગતી સાત મહિલાઓની હળવીફૂલ વાર્તા…
આજની પેઢીને ઉંબરો એટલે શું તે લગભગ ખબર નહીં હોય. આજના ઘરની બાંધણીમાંથી મોટેભાગે આ વ્યવસ્થા નીકળી ગઈ છે. પહેલાના ઘણા ઘરોમાં પથ્થરનો અથવા લાકડાંનો ઉંબરો દરેક રૂમમની બહાર રહેતો અને જે મુખ્ય દ્વારનો ઉંબરો હોય તે કુંકુના બનાવેલા સાથિયા અને લક્ષ્મીજીનાં પગલાથી પૂજાતો. આ સાથે આ ઉંબરો જેને હિન્દીમાં દહેલીજ કહેવાય છે તે એક પ્રકારની લક્ષ્મરેખા હતી જે ઓળંગવું એટલે કંઈક એવું કરવું જે કરવાની મંજૂરી નથી.
આ પણ વાંચો : સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં
આ સરસ મજાના ગુજરાતી શબ્દ પરથી ગુજરાતી ફિલ્મ બની છે તે પણ ઘણી આનંદની વાત છે જેથી આજની પેઢી આ વાતને જાણતી થશે.
હેલ્લારો જેવી નેશનલ એવૉર્ડ ફિલ્મના વિજેતા અભિષેક શાહની આ ગુજરાતી ફિલ્મ મરાઠી ફિલ્મ ઝીમ્માનો આધાર લઈ બની છે. તો ચાલો જાણીએ આ ફિલ્મ ગુજરાતી ફિલ્મો સારી ન હોવાની ખોટી માન્યતાનો ઉંબરો ઓળંગી દર્શકોના હૃદય સુધી પહોંચી શકે તેવી છે કે કેમ.
કેવી છે ફિલ્મની વાર્તા
સાત મહિલાઓ, જે એકબીજાથી એકદમ અજાણ છે અને મોટા ભાગની મહિલાઓ પહેલીવાર દેશનો ઉંબરો ઓળંગી વિદેશના પ્રવાસે જવા નીકળે છે. તેમના સારથી છે બે યુવાન અમદાવાદી ટ્રાવેલ એજન્ટ. પહેલા ભાગમાં લાગે છે કે માત્ર સાત મહિલાઓ લંડનના પ્રવાસે નીકળી છે અને નાના-મોટા સાહસો કરી, એકબીજાની બહેનપણીઓ બની પાછી આવે તેવી વાર્તા છે, પણ એવું નથી. આ સાતેય મહિલાઓ પોતાના ઘરનો નહીં મનનો ઉંબરો ઓળંગવા અહીં આવી છે અને તેમના ઈમોશન્સની વાત ખૂબ જ હળવી પણ ચોંટદાર શૈલીમાં કહી છે ડિરેક્ટરે.
દર વખતે જરૂરી નથી કે કોઈ બીજા જ તમને બાંધતા કે અવરોધતા હોય, તમારા ખુદની સાંકડો જ તમને જકડી રાખતી હોય અને તેમાંથી મુક્ત થવું લગભગ સૌથી અઘરું કામ હોય છે. ખૂબ જ સુખ આપનારો પતિ અચાનક એક્સિડન્ટમાં મૃત્યુ પામે અને નાની દીકરી સાથે રહેતી માતા ઘરની બહાર જ ન નીકળે, પછી દીકરી અને નણંદના દબાણથી સીધી લંડન ફરવા જાય અને મન પરના ભારને ઓછો કરે અને મુક્ત થઈને બિઝનેસ કરવાના પ્લાનિંગ સાથે પાછી ફરે, તો ક્યાંક 25-26 વર્ષ સુધી અનાથ તરીકે જીવેલી દીકરી પોતાને ત્યજીને બીજા લગ્ન કરી વિદેશમાં સેટલ થયેલી માતાને મળવા જાય અને પોતાની જાતને હળવીફૂલ કરી પાછી આવે. જીવનમાં આમ તો બધુ જ છે, પણ એમએલએ પતિની પત્ની તરીકે વર્ષો સુધી જીવ્યા બાદ પોતાને શું જોઈએ છે તેની ભાન જ નથી, ઈચ્છાઓ કોને કહેવાય તે ખબર જ નથી તેવી 55 વર્ષની મહિલા ફરી ઈચ્છાઓ મનમાં ધરબી પાછી ફરે છે. આવી સાત મહિલાઓના ઉંબરા ઓળંગવાની વાર્તા લઈને આવેલી ફિલ્મની વાર્તા દમદાર છે. પહેલો ભાગ મનોરંજનથી ભરપૂર છે જ્યારે બીજો ભાગ ઈમોશન્સ અને એક્પ્રેશન્સથી. લંડનના અલગ અલગ લોકેશન્સની સહેર કરવાની સાથે સાથે વાર્તા ખૂલે છે અને ખિલે છે.
કેવું છે ડિરેક્શન અને એક્ટિંગ
વંદના પાઠક, સુચિતા દલાલ, દીક્ષા જોશી, તર્જની ભાદલા, તેજલ પંચાસરા, કાજલ ઓઝા વૈદ્ય, વિનિતા જોશી અને તેમની સાથે અર્જવ ત્રિવેદી, સંજય ગલસર. એકપણની એક્ટિંગ વિશે સારું કે ખરાબ લખવું શક્ય નથી કારણ કે દરેકે પોતાનું પાત્ર એકદમ એપ્ટ ભજવ્યું છે. કાઠિયાવાડી સરિતા કે પલંગ નીચે સંતાઈ જતી સ્મૃતિ, માતાને પરણાવવા હાલેલી અવની કે મોર્ડન ગર્લ અન્વેશા કે પછી સીમા પટેલ. દરેક અત્રિનેત્રી પોતાના પાત્રને પૂરતો ન્યાય આપે છે. એકપણ સિનમાં એકબીજા પર હાવી થવાને બદલે પોતાના જ પાત્રનો ઉંબરો ન ઓળંગતા આ સાતેય અભિનેત્રીઓએ જાણે સહિયારી મજા દર્શકોને આપી છે અને આ બન્ને જેટલી જ મજા કરાવે છે પત્ની સામે ઈગો કલેશ કરીને આવેલો ટ્રાવેલ એજન્ટ કિર્તી અને તેનો આર્ટિસ્ટ સાથીદાર કિરણ. આ સાથે અભિનેત્રીઓના કૉસ્ચ્યુમ્સ અને મેક અપ આર્ટિસ્ટને પણ વખાણવા ઘટે. પાત્રને અનુરૂપ જ પહેરવેશ અને કિલોના થોકમાં મેકઅપને બદલે તેમને બને તેટલી કુદરતી અને આપણા જેવાં જ બતાવવામાં આવ્યા છે. એક એક પાત્ર સાથે કનેક્ટ થઈ શકાય તેમ છે.
રહી વાત ડિરેક્શનની તો અભિષેક શાહ પાસેથી અપેક્ષા હોય તેવું જ ડિરેકશન છે. હેલ્લારો જેવી ગ્રામ્ય સંસ્કૃતિ અને સત્ય ઘટના પરથી ફિલ્મ બનાવ્યા બાદ અર્બન સેટ અપની ફિલ્મ પણ અભિષેકે એટલી જ સરસ બનાવી છે. દરેક ઘટના સાચા સમયે અનફોલ્ડ થાય છે અને તેને દર્શકો સામે તેના ઈમોશન્સ ઈનટેક્ટ રાખી હળવી શૈલીમાં મૂકાવાનું કામ સહેલું નથી. તમે દરેક પાત્ર સાથે ખપ પૂરતું હસો છો અને દરેક પાત્રની વાત સાથે તમારી આંખોના ખૂણા ક્યાંક ભીના થાય છે. સાસુનાં અસ્થિ લંડન લઈને આવતી સરીતાબા કે દીકરા-વહુની ગેરવર્તણૂકનો ભોગ બનેલી છાયા ક્યાંય બિચાડી કે બાપડી નથી.
બે ચાર ફની ડાયલૉગબાજી કરી પેટ પકડીને હસવાનું અને પછી આંખમાંથી આંસુડા પડે તેમ રડવાના મેલોડ્રામાથી ફિલ્મ બચી ગઈ છે. મરાઠી ફિલ્મનું ગુજરાતીકરણ થયું છે, પરંતુ તે ટિપિકલ ગુજ્જુ નથી. ગુજરાતી છુંદા અને ગરબાની વાતો છે, પણ માપમાં. ગરવા ગુજરાતીઓનો ખોટો ડેકારો નથી. સૌથી સરસ વાત ફિલ્મ એક ખૂબ જ સારા સંદેશ સાથે છે, પરંતુ ભારેભરખમ ડાયલૉગ્સના બોજથી ઉપદેશાત્મક બની નથી, તે માટે અભિષેકને સલામ. બીજી એક ખાસ વાત ફિલ્મ ભલે સાત મહિલાઓની હોય, પણ ક્યાય નારીશક્તિ વિમેન એમ્પાવરમેન્ટનો ડોઝ નથી. હેમંત ધોમેનું લેખન અને કેયૂ શાહના ડાયલૉગ્સ અને મેહુલ સુરતીનું સંગીત ફિલ્મને ખરેખર જોવાલાયક બનાવે છે.
જોકે લંડનમાં જ રહીને દીકરાને અંબાજીના દર્શનનું છાયાનું કહેવાનું અને વસુધાનું ચોખ્ખી ના બાદ મેઘ સાથે બોટિંગ કરતી બતાવવાનું ટાળી શકાયું હોત. ફિલ્મ હજુ થોડી એડિટ થઈ હોત તો અમુક સિન્સ જે ફટાફટ આટોપી લેવાયા તેને દર્શકો સુધી પહોંચવાનો સમય મળ્યો હોત અને અમુક પર કાતર ચલાવી શકાઈ હોત.
આ પણ વાંચો : સૈફ પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરે હતી? જાણો અભિનેતાએ પોલીસને શું કહ્યું
કચ્છના ગામડાની વાત લઈને આવેલા અભિષેકે તે સમયે પણ યુવાપેઢીને ગુજરાતી ફિલ્મ જોવા થિયેટરમાં આવવા મજબૂર કરી હતી ત્યારે આ ફિલ્મ જોવા પણ દર્શકો તેમના ઘર અને મનનો ઉંબરો ઓળંગે છે કે નહીં તે જોવાનું.
મુંબઈ સમાચાર-રેટિંગ 4/5