400 રૂપિયાની ભેળ અને 100 રૂપિયાની રોટલીઃ આ અભિનેત્રીનાં રેસ્ટોરાંનું મેનૂ જોઈને જ પેટ ભરી લેજો…

બોલીવૂડના એવા ઘણા સ્ટાર છે જેમણે અન્ય બિઝનેસમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. જેમાં સૌથી વધુ હોટેલ-રેસ્ટોરાં અને કૉસ્મેટિક્સ બિઝનેસ હોય છે. સુનીલ શેટ્ટીથી માંડી અનુષ્કા શર્મા અને મલાઈકા અરોરા પણ હોટેલ બિઝનેસમાં ઝંપલાવી ચૂક્યા છે. અનુષ્ક અને કોહલીએ પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારના બંગલામાં આલાગ્રાન્ડ રેસ્ટોરાં બનાવ્યું છે. સુનીલ શેટ્ટીની ચેઈન ઓફ હોટેલ છે.
હવે આ બિઝનેસમાં અન્ય એક અભિનેત્રીએ રોકાણ કર્યું છે. તેણે મુંબઈમાં એક બોલીવૂડ થીમ પર આધારિત ઈન્ડિયન કુઝીન સાથેનું રેસ્ટોરાં ખોલ્યું તો છે, પરંતુ તેનું મેનૂ કાર્ડ આપણી માટે તો પરસેવો છૂટી જાય તેવું છે.

આ અભિનેત્રીનું નામ છે મૌની રૉય. નાગિન સિરિયલથી ફેમસ થયેલી મૌનીએ મુંબઈના પશ્ચિમ અંધેરીમાં રેસ્ટોરાં ખોલ્યું છે. કાફેની સજાવટ બોલીવૂડ થીમ પરથી છે. અમુક વાનગીઓના નામ પણ બોલીવૂડિયા છે. જેમ કે સત્તે પે સત્તા કોકટેલ, બદમાશ મોસાય વગેરે.
મૌનીએ આ વિશે જણાવ્યું કે મારી ખૂબ ઈચ્છા હતી કે ભારતીય વાનગીઓનો એક સારો રેસ્ટોરાં ખોલવામાં આવે. મુંબઈ અને બેંગલુરુમાં બહુ ઓછા એવા રેસ્ટોરાં છે, જ્યાં ભારતીય વાનગીઓ મળતી હોય. જોકે મૌનીએ એમ પણ કહ્યું કે આ મારા માટે શક્ય ન હતું, મારા પતિ અને તેમના મિત્રએ રોકાણ કર્યું છે.
હવે વાત કરીએ મેનૂ કાર્ડની તો મૌનીના રેસ્ટોરામાં ઘણી અવનવી વાનગી મળે છે, પણ તેનો ભાવ મધ્યમવર્ગીયો માટે ઘણો જ ઊંચો છે. જેમકે એક ભેળ રૂ. 400ની છે તો એક રોટલી રૂ. 100ની. એક ગુલાબજાંબુનો ભાવ રૂ. 410 છે. કાંદાભજીની એક પ્લેટની કિંમત રૂ. 355 છે.
અહીં એક મસાલા પાપડ પણ રૂ. 200થી નીચે નથી. નાન કે રોટલી રૂ. 100થી નીચે નથી. મુંબઈ ભેળપુરી માટે ખૂબ ફેમસ છે અને કોઈપણ ભૈયાજીની લારીએ ઊભીને ભેલ ખાવાની મજા જ અલગ છે. પુરીની ચમચી બનાવી સાદા કાગળમાં પિરસાતી એકદમ ટેસ્ટી ભેલ તમને રૂ. 50મા મળી જાય છે.
સિતારાઓ પણ મુંબઈના આ સ્ટ્રીટફૂડના દિવાના છે, પરંતુ જેમને કાફેમાં બેસી વાતો કરવી હોય અને ગપ્પા મારવા હોય અને જેમની પાસે વધુ પડતા નાણા હોય તેમની માટે બદમાશ જેવી કેટલીય રેસ્ટોરાં મુંબઈ સહિતના શહેરોમાં છે.



