સિંગર મોનાલી ઠાકુર લાઈવ પરફોર્મન્સ દરમિયાન બીમાર પડતાં હોસ્પિટલમાં દાખલ
જાણીતી સિંગર મોનાલી ઠાકુર ઇન્ડસ્ટ્રીમાં તેના ભાવનાત્મક ગીતો માટે જાણીતી છે. તેના ચાહકો તેના ગીતો સાંભળવાનું પસંદ કરે છે અને તેના લાઇવ પર્ફોર્મન્સ પણ ઉત્સાહપૂર્વક માણે છે. અહેવાલ મુજબ, તાજેતરમાં જ મોનાલી પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં દિનહાટા ફેસ્ટિવલમાં ગઈ હતી. જ્યાં સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરી રહી હતી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મોનાલીની તબિયત બગડતાં તેને દિનહાટા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બાદમાં, મોનાલીને કૂચ બિહારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે. ગાયિકાએ હજુ સુધી સોશિયલ મીડિયા પર કોઈ હેલ્થ અપડેટ શેર કર્યું નથી. તેના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે.
આ પણ વાંચો: હાર્ટ એટેકે લીધો વધુ એક જીવ, લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગરનું મૃત્યુ
થોડા અઠવાડિયા પહેલા, મોનાલીએ વારાણસીમાં તેના કોન્સર્ટ વખતે મિસ-મેનેજમેન્ટને કારણે તેનો કોન્સર્ટ અચાનક બંધ કરી દેતા ચર્ચામાં આવી હતી. તેણે અયોગ્ય સ્ટેજ સેટઅપ સહિતની ઘણી સમસ્યાઓને કારણે શો બંધ કર્યો હતો, તેને પગની ઘૂંટીમાં ઇજા થવાનું જોખમ લાગી રહ્યું હતું.
કોન્સર્ટનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મોનાલી કહેતી જોવા મળી હતી કે હું નિરાશ છું કે મારી ટીમ અને હું અહીં પરફોર્મ કરવા માટે ખૂબ ઉત્સાહિત હતા. ચાલો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સ્થિતિ વિશે વાત ન કરીએ, કારણ કે તે મેનેજમેન્ટની જવાબદારી છે.
અહીં મારા પગની ઘૂંટીને ઇજા પહોંચી શકે છે, મારા નર્તકો મને શાંત થવા માટે કહેતા હતા, પરંતુ બધું ગડબડ છે. હું દિલથી ક્ષમા ચાહું છું કે અમારે આ શો બંધ કરવો પડ્યો છે, પણ હું ચોક્કસ પાછી આવીશ. અને હું આશા રાખું છું કે હું તમને આના કરતાં વધુ સારી ઇવેન્ટ આપી શકું. અમને માફ કરો. આશા રાખીએ કે મોનાલી જલ્દી સ્વસ્થ થઈ જાય, અને ફરી એકવાર તેના સુરીલા અવાજથી તેના ચાહકોના દિલ જીતી લે.