Happy Birthday: જ્યારે નિર્માતાને ખબર પડી કે આ પ્રસિદ્ધ અભિનેત્રીનો દીકરો છે ત્યારે…
બોલીવૂડમાં નેપોટિઝમનો મુદ્દો આજકાલ બહુ ચર્ચાતો રહે છે. આનું કારણ એ પણ છે કે એક સાથે જાણે સ્ટારકિડ્નો રાફડો ફાટ્યો છે. તેમાંના ઘણા તો પ્રતીભાશાળી હોય જ છે, પરંતુ અમુક માત્ર પરિવારના સ્ટારડમને કારણે પહેલી બે ત્રણ સારી ફિલ્મો મેળવી લે છે અને પછી પણ માંડ માંડ ટકે છે. ત્યારે આજે એક એવા સ્ટારકિડનો બર્થ ડે છે જે ખૂબ જ આલા દરજ્જાની અભિનેત્રીના પુત્ર હોવા છતાં ખૂબ જ નમ્ર અને સરળ હોવાનું ઈન્ડસ્ટ્રીના લોકો કહે છે.
આ અભિનેતા ખૂબ સફળ કલાકારોની કેટેગરીમાં આવતા નથી, પરંતુ ફિલ્મજગતમાં તેણે 30 વર્ષ કાઢ્યા છે અને નાના-મોટા રોલ કરી દેખાતા રહે છે. તેમની સરળતાનું કારણ તેમની માતા પણ છે કારણ કે તેમણે ક્યારેય પોતાના પુત્રને લૉંચ કર્યો નથી કે કોઈ નિર્માતાને આજીજી કરી નથી. આ માતા એટલે વિતેલા જમાનાની સુંદર અને ખૂબ જ સફળ અભિનેત્રી નૂતન (Nutan)અને તેમનો દીકરો એટલે કે મોહનીશ બહેલ, જેનો આજે જન્મદિવસ છે. (Mohnish Bahl birthday)
મૈંને પ્યાર કીયામાં…એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહીં બન સકતે એવો ડાયલૉગ બોલી અને સલમાન ખાન સાથે દુશ્મની વહોરી લેનારા મોહનીશ બહેલનો આજે 63મો જન્મદિવસ છે. મોહનીશ ફિલ્મો અને ટીવીમાં દેખાતો રહે છે. ત્યારે મૌંને પ્યાર કીયા ફિલ્મનો એક કિસ્સો તેણ શેર કર્યો હતો.
વાસ્તવમાં મોહનીશ અને સલમાન મિત્રો હતા. મોહનીશ તે સમયે બોડી બિલ્ડિંગ માટે જીમ જતો. સલમાનની મજાક પણ ઉડાવતો કે આવા પાતળા-લાંબા છોકરાને કોણ પોતાની ફિલ્મનો હીરો બનાવશે. જોકે 90માં જ્યારે સલમાનને મૈંને પ્યાર કીયા…મળી તો તેમે જ મોહનીશનું નામ સજેસ્ટ કર્યું હતું, પણ તારાચંદ બડજાત્યાને ખબર પડી કે તે નૂતનનો દીકરો છે તો તેઓ અટવાયા. નૂતનના આટલા હેન્ડસમ દીકરાને વિલનનો રોલ કઈ રીતે આપી શકાય તેવો સવાલ તેમના મનમા થયો. આ વાત નૂતન સુધી પહોંચી ત્યારે અભિનેત્રીએ ફોન કરી બડજાત્યાને કહ્યું કે તમે એ ભૂલી જજો કે તે મારો દીકરો છે અને તેનું કામ જોઈ તમને યોગ્ય લાગે તે રોલ આપજો .
બડજાત્યાએ ત્યારે તો તેને નેગેટીવ રોલ જ આપ્યો, પણ બીજી ફિલ્મમાં પોઝીટીવ રોલ આપવાનો વાયદો કર્યો અને નિભાવ્યો પણ. ફિલ્મ હમ આપકે હૈ કૌન અને હમ સાથ સાથ હૈમાં ઘરના મોટા અને જવાબદાર દીકરા તરીકે લોકોને તે એવો ગમી ગયો કે સૌને થતું કે દરેક ઘરમાં આવો એક દીકરો હોય.
જોકે સારા દીકરાનો રોલ કરતો મોહનીશ રીયલ લાઈફમાં સારા દીકરો સાબિત થઈ ન શક્યો. આમાં તેને તેનું કામ અને નસીબ નડી ગયા ને તેનો મોહનીશને અફસોસ પણ છે. જ્યારે નૂતનને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે પરિવારે નક્કી કર્યું કે તેમને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવે. તે સમયે મોહનીશે શોલા ઔર શબનમના શૂટિંગ માટે જવું જ પડે તેમ હતું અને તે બહુ વ્યથિત હતો, પરંતુ માતાએ જ તેને હિંમત આપી. જોકે તે છેલ્લી ઘડી હતી જ્યારે મોહનીશે માતાને આટલી સ્વસ્થ અને બોલતીચાલતી જોઈ હતી. સારવારના દોઢેક વર્ષમાં અભિનેત્રીનું મૃત્યુ થયું.
તાજેતરમાં ટીવી શૉમાં મોહનીશ પરિવાર સાથે આવ્યો હતો અને માતાને યાદ કરીને ખૂબ ભાવૂક થયો હતો. મોહનીશ સાથે તેની પત્ની અભિનેત્રી એકતા અને બન્ને દીકરાઓ પણ આવ હતી. મોહનીશે પોતાના જીવનમાં આવેલા ઉતારચઢાવમાં સાથ આપવા બદલ પત્ની અને પરિવારનો આભાર માન્યો હતો.
મોહનીશને જન્મદિવસની શુભકામના…