મનોરંજન

યાદ કિયા દિલ ને…યુદ્ધ લડ્યું પણ સંગીત એવું આપ્યું કે માત્ર પ્રેમનો જ ફેલાવો થાય

બે વ્યવસાયો વચ્ચે જમીન આસમાનનો ફરક હોય તેવુ ઓછું બનતું હોય છે. આજના બર્થ ડે સેલિબ્રિટી આમાંના એક છે. હિન્દી ફિલ્મજગતને ખૂબ જ સુંદર ગઝલ અને ગીતો આપનારા આ સંગીતકાર સંગીતની દુનિયામાં આવ્યા તે પહેલા બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં સેવા આપતા હતા અને તે દરમિયાન તેમણે બીજા વિશ્વ યુદ્ધની લડાઈ પણ લડી હતી. ત્યારબાદ તેઓ લાહોર ખાતે પંજાબી સંગીતકાર બાબા ચિશ્તી પાસેથી સંગીતની શિક્ષા લીધી. 1947માં મુંબઈ આવ્યા અને સુંદર ગીતો હિન્દી સિનેમાજગતને આપ્યા. આ સંગીતકાર એટલે મોહંમદ જૂહૂર ખય્યામ હાશમી, જેમને આપણે ખય્યામના નામે ઓળખીએ છીએ. આજે 18મી ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ છે. 2019માં તેઓ આ દુનિયાન અલવિદા કહી ચાલ્યા ગયા, પણ તેમનું નામ સાંભળતા જ હિન્દી ફિલ્મજગતના ઘણા બેનમૂન, મધુર ગીતો આપણા કાનમાં ગૂંજવા લાગે.

ખય્યામની સંગીત સફરની વાત કરીએ તો નાના મોટા કામ કર્યા બાદ તેમણે વર્મા બ્રધર્સ સાથે હીર રાંઝા ફિલ્મ કરી. ફિલ્મનું સંગીત તો સુપરહીટ હતું, પણ ખય્યામને કોઈ લાભ મળ્યો નહીં. ત્યારબાદ તેમણે સોલો મ્યુઝિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ખય્યામના સંગીતમાં જે અનોખાપણું હતું તે તમને અન્ય કોઈ સંગીતકારના ગીતોમાં જોવા મળશે નહીં. તેમણે ઘણા નવા પ્રયોગો હિન્દી સંગીત સાથે કર્યા. ખય્યામના ગીતોની ખાસિયત એ હતી કે તેઓ ફિલ્મી ગીતકારો પાસે નહીં પણ મોટા ભાગે કવિઓ અને શાયરો પાસે જ ગીતો લખાવવાનો આગ્રહ રાખતા. વો સુબહ કભી તો આયેગી, શામ એ ગમ કી કસમ, એ દિલ -એ નાદાન, તુમ અપના રંજો ગમ, તુહી સાગર હૈ તુહી કિનારા, ઈન આંખો કી મસ્તી કે, દીખાઈ દીયે યૂ, હઝાર રાહેં મૂડ કે દેખી…આ યાદી જેટલી લાંબી છે તેટલી જ સમૃદ્ધ અને સુંદર છે.


ખય્યામ પોતાના જાતીય જીવનમાં પણ બીજાથી અલગ હતા. ખય્યામ લગભગ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી વ્યક્તિ હશે જેમણે આંતરધર્મ લગ્ન કર્યા હતા. તેમના પત્ની જગજીત કૌર એક સારા ગાયિકા હતા. ફિલ્મ શગૂનનું ગીત તુમ અપના રંજ-ઓ-ગમ તેમની પાસે ગવડાવ્યું હતું જે આજે પણ એટલું જ રૂહાની લાગે છે. તેમના દીકરા પ્રદીપનું 2012માં હાર્ટ એટેકને લીધે નિધન થઈ ગયું હતું. ત્યારબાદ ખય્યામે એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી પોતાની 10 કરોડની સંપત્તિ દાન કરી દીધી જે ઈન્ડસ્ટ્રીના ટેકનિશિયનના વેલફેર માટે ઉપયોગમાં લેવામાં આવે, તેવી તેમની ઈચ્છા હતી. ખય્યામ એક સૈનિક રહી ચૂક્યા હતા અને લગભગ તેથી જ પોતાનો 89મો જન્મદિવસ એટલા માટે નહતો મનાવ્યો કારણ કે તે સમયે પુલવામા હુમલો થયો હતો. 92 વર્ષથી ઉંમરે ખય્યામ મૃત્યુ પામ્યા અને પોતાનું સંગીત અને સેવાભાવના છોડી ગયા.


ખય્યામને સમરણાંજલિ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button