બોરીવલી સ્ટેશને પિસ્તોલ અને કારતૂસો સાથે મોડેલ પકડાયો

મુંબઈ: બિહારથી આવેલા મોડેલને બોરીવલી રેલવે સ્ટેશન પરથી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીઓએ પકડી પાડી તેની પાસેથી પિસ્તોલ અને કારતૂસો જપ્ત કરી હતી.
ધરપકડ કરાયેલા મોડેલની ઓળખ અભયકુમાર ઉમેશકુમાર ઝા (24) તરીકે થઈ હતી. જીઆરપી દ્વારા શુક્રવારે સ્ટેશન પર રાબેતા મુજબ તપાસ કરવામાં આવી રહી હતી. તે સમયે સતર્ક સબ-ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલે ઝા પાસે તેની બૅગ તપાસવા માગી હતી. ઝાએ બૅગ તપાસવા આપવાનો ઇનકાર કરતાં અધિકારીને શંકા ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઝાને સ્કૅનર મશીન પાસે લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાનું નામ અભય ઝા હોવાનું કહ્યું હતું. બિહારનો વતની હાલમાં મીરા રોડમાં રહે છે અને મુંબઈમાં મોડેલિંગનાં નાનાં કામો કરે છે.
આ પણ વાંચો : બોરીવલીમાં મહિલાની હત્યા કરી ફરાર થયેલો બૉયફ્રેન્ડ હૈદરાબાદમાં પકડાયો
તપાસ દરમિયાન ઝાની બૅગમાંથી પોલીસને 7.65 એમએમની દેશી બનાવટની પિસ્તોલ અને 14 કારતૂસ મળી આવી હતી. આ પ્રકરણે બોરીવલી જીઆરપીએ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી ઝાની ધરપકડ કરી હતી.
કોર્ટમાંથી પોલીસ કસ્ટડી મેળવી પોલીસ ઝાની વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે મુંબઈમાં પોતાનો પ્રભાવ દેખાડવા માટે આરોપી પોતાની સાથે પિસ્તોલ લાવ્યો હોઈ શકે છે. જોકે આરોપી કોઈ ગૅન્ગ સાથે સંકળાયેલો છે કે પિસ્તોલ કોઈને પહોંચાડવાનો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ



