મિથુનદાને મળશે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, જાણો આઈકોનિક સફર…
નવી દિલ્હી: મૃગયા, સુરક્ષા, ડિસ્કો ડાન્સર અને ડાન્સ ડાન્સ જેવી ફિલ્મોના સ્ટાર અને પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને આજે સિનેમા ક્ષેત્રે સરકારના સર્વોચ્ચ મનાતા એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
મિથુન ચક્રવર્તીને ભારત સરકાર દ્વારા ત્રીજા સૌથી ટોચના નાગરી સન્માન એવોર્ડ પદ્મ ભૂષણ એનાયત કરાયાના ગણતરીના મહિનાઓમાં આ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. આઠમી ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ચક્રવર્તીને આ એવોર્ડ આપવામાં આવશે, એમ વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું. મિથુન ચક્રવર્તીએ ફિલ્મોથી લઈને રાજકીય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. ચાલો જાણીએ તેમના જીવનની રસપ્રદ વાતો.
મિથુનદાનું સાચુ નામ જાણતા ના હોય તો જાણો
મિથુન ચક્રવર્તીનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે, તેઓ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમણે મુખ્યત્વે હિન્દી અને બંગાળી સિનેમામાં કામ કર્યું છે. તેણે મૃણાલ સેનની 1976માં આવેલી ફિલ્મ મૃગયાથી અભિનયની શરૂઆત કરી હતી અને તેના માટે તેમણે શ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. તેણે 1992માં તાહાદર કથા (શ્રેષ્ઠ અભિનેતા) અને 1998માં સ્વામી વિવેકાનંદ (શ્રેષ્ઠ સહાયક અભિનેતા)ના વધુ બે રાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા હતા.
ડિસ્કો ડાન્સરથી સ્ટારડમ મેળવ્યું હતું મિથુનદાએ
મિથુન ચક્રવર્તીએ 1982ની સુપરહિટ ડિસ્કો ડાન્સરમાં તેમની વિશિષ્ટ નૃત્ય શૈલીથી સ્ટારડમ મેળવ્યું હતું, ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર’ અને ‘યાદ આ રહા હૈ’ જેવા ચાર્ટબસ્ટર ગીતો દ્વારા ભારતમાં ડિસ્કો ડાન્સિંગના યુગની શરૂઆત કરવાનું શ્રેય આપવામાં આવે છે. ત્યાર બાદ મુઝે ઈન્સાફ ચાહિયે, હમ સે હૈ જમાના, પસંદ અપની અપની, ઘર એક મંદિર, કસમ પેદા કરને વાલે કી અને કમાન્ડો જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી.
મિથુનદા 2021માં રાજકારણમાં જોડાયા હતા
1990માં અમિતાભ બચ્ચન દ્વારા અભિનીત ફિલ્મ અગ્નિપથમાં તેમની ભૂમિકા માટે પણ તેમની પ્રશંસા કરવામાં આવી હતી. રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય મિથુન ચક્રવર્તી 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. ચક્રવર્તીએ 2009થી 2018 સુધી લોકપ્રિય ડાન્સ રિયાલિટી શ્રેણી ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં મુખ્ય ન્યાયાધીશ અથવા ‘ગ્રાન્ડમાસ્ટર’ તરીકે પણ સેવા આપી હતી. 2023માં વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
જ્યુરીએ મિથુન ચક્રવર્તી પર ઉતારી પસંદગી
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ અકાઉન્ટ પર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભૂતપૂર્વ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા આશા પારેખ, અભિનેતા-રાજકારણી ખુશ્બુ સુંદર અને ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની બનેલી ત્રણ સભ્યોની જ્યુરીએ મિથુન ચક્રવર્તીને પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કર્યા છે.
મિથુનદાના પરિવારે વ્યક્ત કરી ખુશી
દાદા સાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત વિશે તેમના પુત્ર નમાશી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે 74 વર્ષીય ચક્રવર્તી ખૂબ ખુશ છે. આપણે બધા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. તે કોલકાતામાં છે, મેં હમણાં જ તેની સાથે વાત કરી. તે સ્વ-નિર્મિત સુપરસ્ટાર છે. આને માટે લાંબો સમય રાહ જોવામાં આવી હતી, પરંતુ મને એટલો ગર્વ છે કે આખરે તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે, એમ નમાશીએ લોસ એન્જલસથી ફોન પર જણાવ્યું હતું.