મિથુન દાઃ નક્સલવાદ છોડયો, ભૂખ્યા ભટક્યા, પણ હાર ન માની અને…
બોલીવૂડના ઘણા સ્ટારની વ્યક્તિગત જિંદગી ખૂલ્લી કિતાબ જેવી છે અને પ્રેરણા આપનારી છે. આજે જેમને સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, તેમના જીવનની ઘણી વાતો આજની પેઢીને ખબર નહીં હોય, તો તેમને જણાવીએ કે કઈ રીતે શૂન્યમાંથી સર્જન કરી આ અભિનેતા અહીં સુધી પહોંચ્યો છે.
કોલકાત્તામાં જન્મેલા મિથુન ચક્રવર્તીએ એક સમેય નક્સલ મુવમેન્ટ જોઈન કરી હતી, પરંતુ તેના પરિવારમાં બનેલી એક કરૂણાંતિકા બાદ તેણે નકસલીઓનો સાથ છોડ્યો. તે મુંબઈ આવ્યો. સૂકલકડી બાંધો, સાવલો ચહેરો અને હાથમાં કંઈ નહીં. અભિનયનો શોખ હતો એટલે ફિલ્મોમાં કામ શોધતો ફરતો હતો. મિથુને એકવાર પોતે કહ્યું હતું કે મેં જે દિવસો જોયા છે તે બીજા કોઈ જૂએ તેમ હું ઈચ્છતો નથી. તેણે કહ્યું કે મને કામ તો મળતું ન હતું, પણ મારી કાળી સ્કીનને લીધે અપમાન ઘણું મળતું હતું. મારી પાસે ખાવા પૈસા ન હતા અને ભૂખ્યા પેટે ફૂટપાથ પર જ સૂઈ જતો. મિથુને ત્યાં સુધી કહ્યું કે મને ક્યારેક આત્મહત્યા કરવાનો પણ વિચાર આવતો, પણ હું ફાઈટર છું. મેં મારી જાતને સંભાળી અને ધીમે ધીમે આગળ વધ્યો.
મિથુને પહેલી ફિલ્મ મૃગયા કરી હતી, જેની માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. મિથુનને ઓળખ મળી ડિસ્કો ડાન્સરથી. ત્યારબાદ પ્યાર ઝૂકતા નહીં, કસમ પેદા કરનેવાલે કી, ઘર એક મંદિર, ગુલામી, ગંગા જમના સરસ્વતી, બીસ સાલ બાદ જેવી ઘણી ફિલ્મો કરી. અમિતાભ સાથે અગ્નિપથમાં તેનો અભિનય ખૂબ વખણાયો. તો થોડા સમય પહેલા તેણે શાસ્ત્રી ફાઈલમાં પણ ખૂબ જ સરસ અભિનય કર્યો હતો. મિથુન ડાન્સ શૉમાં જજ તરીકે પણ ઘણો પોપ્યુલર થયો.લગભગ 370થી વધારે ફિલ્મો કરી ચૂકેલા આ અભિનેતાને સર્વોચ્ચ એવોર્ડ મળવો યથાર્થ છે.