માધુરી દીક્ષિત સાથે મારી સરખામણી…નૉ વે…જાણો કોણે કહ્યું આમ
ધક ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પણ એટલી જ સુંદર અને જાજરમાન લાગે છે. 90ના દાયકામાં તેને ચાહકોના દિલો પર રાજ કર્યું છે અને શ્રીદેવી બાદ તેને લેડી સુપરસ્ટાર માનવામાં આવે છે, પરંતુ તે દાયકામાં બીજી એક અભિનેત્રી પણ હતી જે ઘણી લોકપ્રિય હતી અને માધુરીની જેમ ખૂબ જ સારી ડાન્સર હતી. આ અભિનેત્રી હવે ફરી બોલીવૂડમાં દેખાઈ રહી છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ પોતાનું ફેન ફોલોઈંગ વધારી રહી છે. આ અભિનેત્રી એટલે દામિની ગર્લ મિનાક્ષી શેષાદ્રી.
જોકે આજે આપણે બન્ને અભિનેત્રીની ફિલ્મો નહીં પણ તેમની વચ્ચેની કરઝકની વાત કરવાના છીએ. કલાકારોમાં અને ખાસ કરીને હીરોઈનોમાં તે સમયે પણ કેટ ફાઈટ થતી. માધુરી અને મિનાક્ષી એકબીજાના પ્રતિસ્પર્ધી તો હતા જ પણ તેમના વચ્ચે આગ લગાવવાનું કામ કર્યું એક ફિલ્મએ.
આ ફિલ્મ હતી ટીનૂ આનંદની શિકસ્ત. આ ફિલ્મ માટે આનંદે માધુરી અને મિનાક્ષી બન્નેને સાઈન કર્યા હતા, પણ માધુરીને લીડ રોલ આપ્યો જ્યારે મિનાક્ષીને સેકન્ડ લીડ રોલ આપવામાં આવ્યો હતો. આનાથી નારાજ મિનાક્ષીએ તે ફિલ્મ કરવાની ના પાડી દીધી અને માધુરીને અમિતાભ બચ્ચનની હીરોઈન તરીકે રોલ મળ્યો. આ દરમિયાન મિનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં ખૂબ ગુસ્સાથી જણાવ્યું હતું કે લોકો મારી અને માધુરી દીક્ષિતની સરખામણી કરે છે ત્યારે મિનાક્ષીએ કહ્યું હતું કે માધુરી ક્યારેય મિનાક્ષી બની શકે નહીં. જોકે સૌથી રસપ્રદ વાત તો એ છે કે જે કારણે બન્ન એકબીજા સાથે બાખડી હતી તે ફિલ્મ ક્યારેય બની જ નહીં કે પછી રિલીઝ ન થઈ તે વિશે કોઈને ખબર નથી.
60 વર્ષે પણ નૃત્ય કરતી હીરોઈને તાજેતરમાં આ કિસ્સો એક ઈન્ટરવ્યુમાં જણાવ્યો હતો. આ સાથે તેણે કહ્યું કે ઘણા મને બુઢ્ઢી કહે છે, કોઈ મને પ્લાસ્ટિક સર્જરી કરવા કહે છે, કોઈ મારા સંબંધો કે પરિવાર મામલે મને ટ્રોલ કરે છે, પરંતુ હું તેમના પર ધ્યાન આપતી નથી.
મિનાક્ષી 90ના દશકની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાજકુમાર સંતોષી સાથે તેનાં સંબંધો પણ ભારે ચર્ચાનો વિષય હતા. જોકે ત્યારબાદ અભિનેત્રીએ અમેરિકા સ્થાયી બિઝનેસમેન સાથે લગ્ન કરી લાંબા સમય માટે ફિલ્મજગતને બાય બાય કરી દીધું હતું.