મનોરંજન

‘બોર્ડર 2’ની ધૂમ સામે ‘મર્દાની 3’ ટકશે, જાણો રાણી મુખર્જીની ફિલ્મનું એડવાન્સ બુકિંગ કલેક્શન?

મુંબઈ: ભારતીય સિનેમાઘરોમાં અત્યારે ફિલ્મોનો મેળો જામ્યો છે. એક તરફ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બોર્ડર 2’ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે, તો બીજી તરફ રાણી મુખર્જી પોતાની આઇકોનિક ફ્રેન્ચાઇઝી ‘મર્દાની-3’ સાથે વાપસી કરી રહી છે. આવતીકાલે રિલીઝ થનારી ‘મર્દાની 3’ માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આંકડાઓ જોતા લાગે છે કે પ્રેક્ષકોમાં સની પાજીનો ક્રેઝ શિવાની શિવાજી રોયના પાત્ર કરતા વધુ છે.

તાજેતરના અહેવાલો મુજબ, રાની મુખર્જીની ‘મર્દાની 3’ના એડવાન્સ બુકિંગના પહેલા દિવસે માત્ર 2100 ટિકિટો જ વેચાઈ છે. સમગ્ર ભારતમાં 1456 શો સાથે ફિલ્મે અત્યાર સુધી માત્ર 5.6 લાખની કમાણી કરી છે. વર્ષ 2019માં આવેલી ‘મર્દાની 2’એ પહેલા દિવસે 3.80 કરોડની ઓપનિંગ સાથે બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ હતી, પરંતુ ‘બોર્ડર 2’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મોની સફળતા વચ્ચે ‘મર્દાની 3’ માટે આગળનો રસ્તો મુશ્કેલ જણાઈ છે.

સની દેઓલની ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે તેના સાતમા દિવસ માટે અંદાજે 3.95 કરોડનું એડવાન્સ બુકિંગ મેળવ્યું છે. જોકે વર્કિંગ ડે હોવાને કારણે પ્રી-સેલ્સમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં ફિલ્મ સાતમા દિવસે 12 કરોડથી વધુનું કલેક્શન કરે તેવી શક્યતા છે. દેશભક્તિના જોશ સાથે આવેલી આ ફિલ્મની ધૂમ સામે અન્ય નવી ફિલ્મોને ટકી રહેવું પડકારજનક બની રહ્યું છે.

યશરાજ ફિલ્મ્સ (YRF)ના બેનર હેઠળ બનેલી ‘મર્દાની 3’ નું નિર્દેશન અભિરાજ મીનાવાલાએ કર્યું છે, જ્યારે તેની સ્ક્રિપ્ટ ‘ધ રેલવે મેન’ ફેમ આયુષ ગુપ્તાએ લખી છે. આ ફ્રેન્ચાઇઝીની શરૂઆત 2014માં પ્રદીપ સરકાર દ્વારા કરવામાં આવી હતી, જે વ્યવસાયિક અને વિવેચનાત્મક રીતે સફળ રહી હતી. રાની મુખર્જી ફરી એકવાર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના આકરા અંદાજમાં જોવા મળશે, જોકે હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ રિલીઝ પછી પ્રેક્ષકોને કેટલી આકર્ષી શકે છે.

સંબંધિત લેખો

Back to top button