મર્દાની ૩ ટ્રેલર: રાની મુખર્જીની ટક્કર થશે ખૂંખાર વિલન અમ્મા સાથે, જાણો કોણ છે નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ મલ્લિકા પ્રસાદ?

બોલીવૂડની મર્દાની ફેમ એક્ટ્રેસ રાની મુખર્જીની સુપરહિટ ફ્રેન્ચાઈઝી મર્દાની થ્રીનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે અને તેણે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. રાની મુખર્જી શિવાની શિવાજી રોયના દમદાર નીડર પોલીસ ઓફિસરના રોલમાં છવાઈ ગઈ છે, પરંતુ આ વખતે આ ફિલ્મમાં કોઈ પુરુષને બદલે એક મહિલાને જ વિલનને રૂપમાં દેખાડવામાં આવી છે. આ ખૂંખાર વિલન છે અમ્મા. અમ્માનો રોલ કરીને રાની મુખર્જી પર ભારે પડનાર એક્ટ્રેસ કોણ છે એના વિશે લોકો ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરી રહ્યા છે, ત્યારે ચાલો તમને જણાવીએ કોણ છે આ અમ્મા અને એમના રોલ વિશે…
ફિલ્મ મર્દાની થ્રીનું ટ્રેલર આવી ગયું છે અને આ વખતે મર્દાની એટલે કે શિવાની શિવાજી રોયનો રોલ કરનારી રાની મુખર્જીની ટક્કર યુવતીઓની તસ્કરી કરનાર અને નાના બાળકો પાસે ભીખ મંગાવતી એક ગેન્ગ સાથે થશે. પરંતુ સોશિયલ મીડિયા પર રાની મુખર્જી કરતાં વધારે ચર્ચા ફિલ્મની વિલન અમ્માનો રોલ કરનારી મલ્લિકા પ્રસાદની થઈ રહી છે. દર્શકો મલ્લિકા પ્રસાદ વિશે વધુને વધુ જાણવા ઉત્સુક છે.
ટ્રેલરમાં અમ્માની દરિંદગી જોઈને દર્શકોના રૂંવાડા ઊભા થઈ હગયા હતા. અમ્માએ પોતાની ક્રુરતાથી દર્શકોને બેચેન કરી દીધા છે. અમ્માનો રોલ એક્ટ્રેસ મલ્લિકા પ્રસાદે નિભાવ્યો છે. મલ્લિકાએ ફિલ્મો અને ટીવીમાં તો કામ કર્યું જ છે પણ તેઓ એક કુશળ થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેમની એક્ટિંગની ઉંડાઈ અને રેન્જ જ છે કે જેણે અમ્માને મર્દાની ફ્રેન્ચાઈઝીનો અત્યાર સુધીનો સૌથી ખૂંખાર વિલન બનાવી છે.
રસપ્રદ વાત તો એ છે કે મલ્લિકાએ પોતાની એક જૂની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી જ આ રોલનો ઈશારો આપ્યો હતો. તેમણે પોતાની સ્ટોરીમાં લખ્યું હતું કે કોણ જાણે છે કે કાલ શું લઈને આવશે? મલ્લિકા એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક ટેલેન્ટેડ ડિરેક્ટર અને ફિલ્મ મેકર પણ છે. તેમનું આખું કરિયર જ દમદાર સ્ટોરી અને કેરેક્ટર પર ટકેલું છે. તેમણે એક્ટિંગ અને ડિરેક્શન બંને માટે નેશનલ એવોર્ડ્સ જિત્યા છે.
વાત કરીએ મલ્લિકાના ફિલ્મી કરિયરની તો તેમણે કનૂનુ હેગગદિતી (1999), દેવી અહિલ્યા બાઈ (2003) અને દુસરા (2006) જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બેંગ્લોરમાં જન્મેલી મલ્લિકાનો ફિલ્મ કરિયર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહી છે. તેમણે ગરવા, ગુપ્તગામિની અને મેઘા મયુરી જેવી ફેમસ સીરિયલમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. 2017માં તેમની કન્નડ સીરિયલ નાગકનિકેને બેસ્ટ સીરિયલનો એવોર્ડ પણ મળ્યો હતો.
મલ્લિકાને થિયેટર પ્રત્યે પણ અલગ જ લગાવ રહ્યો છે. તેમનું સોલો નાટક હિડન ઈન પ્લેન સાઈટ લંડન અને એડિનબર્ગ ફ્રિંજ ફેસ્ટિવલ જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરી ચૂક્યું છે. હાલમાં તેમણે અનુરાગ કશ્યપની ફિલ્મ ઓલમોસ્ટ પ્યાર વિધ ડીજે મોહબ્બત અને ફેમસ વેબ સિરીઝ કિલર સુપમાં પણ પોતાના રોલથી દર્શકોના દિલ જિતી લીધા હતા.
હવે મર્દાની થ્રીમાં મલ્લિકા પ્રસાદ દર્શકો સામે એક એવો રોલ લઈને આવી રહ્યા છે કે રાની મુખર્જીના શિવાની શિવાજી રોય માટે ચેલેન્જ બનીને સામે આવશે. ચાલો જોઈએ હવે શિવાની અમ્મા પર ભારે પડે છે કે અમ્મા શિવાની પર ભારે પડે છે?



