ડ્રગ ડિલર સાથે કેવા હતા સંબંધો, મમતા કુલકર્ણીએ કર્યા ખુલાસા
અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી મુંબઈ પરત ફરી છે. તેણે ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે, જ્યારે વિકી દુબઇની જેલમાં હતો ત્યારે વિકીએ તેને પહેલીવાર મળવા બોલાવી હતી. 2016 સુધી તે વિકીના સંપર્કમાં હતી. આ પછી તેણે ક્યારેય વિકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નથી. મમતાએ વધુમાં કહ્યું કે તે બોલિવૂડમાં કામ કરવા માટે મુંબઈ પાછી ફરી નથી. તેમજ તે અભિનેત્રી તરીકે પુનરાગમન કરવા માંગતી નથી.
મમતા કુલકર્ણીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરીને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. 25 વર્ષના લાંબા સમય બાદ તે ભારત પરત ફરી છે. એક સમયે એવા સમાચાર આવ્યા હતા કે મમતાએ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કરી લીધા છે. મમતાએ આ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એ વાત સાચી છે કે તે વિકીને પ્રેમ કરતી હતી, પણ તે બાર વર્ષ જેલમાં હતો. તે સમયે તેણે પૂજા અને ધ્યાનમાં વિતાવ્યો. 2012માં તે જેલમાંથી બહાર આવ્યો ત્યાં સુધીમાં પ્રેમ, લગ્નની તેની બધી ઈચ્છાઓ ખતમ થઈ ગઈ હતી. તેણે વિકી કે અન્ય કોઇની સાથે લગ્ન કર્યા નથી અને ભવિષ્યમાં પણ કોઇની સાથે લગ્ન કરવાની નથી. તેનો પહેલો પ્રેમ ભગવાન છે.
આ પણ વાંચો : મમતા કુલકર્ણીએ 25 વર્ષે ભારત આવ્યા બાદ કુંભમેળા વિશે શું કહ્યું
2016માં નોંધાયેલા કેસમાં પોલીસે વિકી અને મમતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. બાદમાં કેન્યા દ્વારા વિકીને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. જોકે, 2000 કરોડના ડ્રગ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળ્યા બાદ હવે મમતા ખુશ છે.
મમતા કુલકર્ણી 90ના દાયકાનું મોટું નામ હતું. તેની પાસે કામની કોઈ કમી નહોતી. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે બોલિવૂડ છોડ્યું ત્યારે તેના હાથમાં 30થી વધુ ફિલ્મો હતી. તેણે એ સમયના સની દેઓલ, સલમાન ખાન જેવા જાણીતા હિરો સાથે કામ કર્યું હતું.